Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મનમોહનસિંહને બ્રિટનમાં ‘લાઇફટાઇમ અચીવમેન્‍ટ ઓનર'થી સન્‍માનિત કરાયા

રાજકીય અને આર્થિક ક્ષેત્રમાં યોગદાન માટે

લંડન,તા.૧: પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં યોગદાન આપવા માટે ‘ઇન્‍ડિયા-યુકે અચીવર્સ ઓનર્સ'એ લંડનમાં ‘લાઇફ ટાઈમ અચીવમેન્‍ટ ઓનર'થી સન્‍માનિત કર્યા છે. તેમને આ એવોર્ડ નવી દિલ્‍હીમાં એનાયત કરવામાં આવશે. ગત સપ્તાહે એક કાર્યક્રમમાં આ સન્‍માનની જાહેરાત કરાઈ હતી. ‘નેશનલ ઈન્‍ડિયન સ્‍ટૂડન્‍ટ્‍સ એન્‍ડ એલ્‍યુમની યુનિયન યુનાઈડેટ કિંગડમ' (NISAU-UK) નવી દિલ્‍હીમાં ડો. સિંહને આ એવોર્ડથી સન્‍માનિત કરશે. NISAU-UK દ્વારા ‘ઇન્‍ડિયા-યુકે અચીવર્સ ઓનર્સ' બ્રિટનના ઈન્‍ટરનેશનલ ટ્રેડ ડિપાર્ટમેન્‍ટ (DIT) અને બ્રિટિશ કાઉન્‍સિલ ઈન ઈન્‍ડિયાના સહયોગથી બ્રિટનની યુનિવર્સિટીઓમાં અભ્‍યાસ કરી જીવનમાં ઉપલબ્‍ધિ મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

‘લાઇફ ટાઈમ અચીવેમેન્‍ટ ઓનર' ઓક્‍સફર્ડ અને કેમ્‍બ્રિજ યુનિવર્સિટીઓમાં ડો. સિંહના યોગદાનને રેખાંકિત કરે છે. ડો. સિંહે પોતાના લેખિત સંદેશમાં કહ્યું કે, ‘હું તેના માટે ઘણો આભારી છું, જે ખાસ કરીને ઘણું જ સાર્થક છે, કેમકે તે યુવાનો દ્વારા આપવામાં આવ્‍યો છે, જે આપણા દેશ અને આ બંને દેશો વચ્‍ચે સંબંધોનું ભવિષ્‍ય છે.'

વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ભારતના વડાપ્રધાન રહેલા ૯૦ વર્ષના સિંહે કહ્યું કે, ‘ભારત અને બ્રિટનના સંબંધોને આપણી શૈક્ષણિક ભાગીદારીએ વાસ્‍તવમાં વ્‍યાખ્‍યાયિત કરી છે. આપણા દેશના સંસ્‍થાપક મહાત્‍મા ગાંધી, જવાહરલાલ નેહરુ, ડો. ભીમરાવ આંબેડકર, સરદાર પટેલ અને ઘણા અન્‍યોએ બ્રિટનમાં અભ્‍યાસ કર્યો છે થતા તે મહાન નેતા બન્‍યા અને એક એવી ધરોહર છોડી ગયા, જે ભારત અને દુનિયાને સતત પ્રેરિત કરી રહી છે. ગત વર્ષોમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓને બ્રિટનમાં અભ્‍યાસ કરવાની તક મળી છે.'

ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવા પ્રસંગે, પહેલી વખત જુદા-જુદા ક્ષેત્રોમાં ઉપલબ્‍ધિ મેળવનારા ૭૫ લોકોએ ‘ઇન્‍ડિયા-યુકે અચીવર્સ ઓનર્સ'થી, જયારે કે કેટલાક લોકોને ‘આઉટસ્‍ટેન્‍ડિંગ અચીવર્સ'થી સન્‍માનિત કરાયા છે. ભારતીય મૂળના બ્રિટિસ નાગરિક લોર્ડ કરણ બિલિમોરિયાને ૨૫ જાન્‍યુઆરીએ આયોજિત સમારંભમાં ‘લિવિંગ લીજેન્‍ડ ઓનર' (સન્‍માન)થી સન્‍માનિત કરાયા. એનઆઈએસએયુ- યુકેના સંરક્ષક બિલિમોરિયાએ કહ્યું કે ,જે લોકોને સન્‍માનિત કરાયા છે, તે જીવંત સેતુ છે અને તેમની ઉપલબ્‍ધિઓએ બ્રિટન અને ભારતમાં લોકોને પ્રેરિત કર્યા છે.

બ્રિટનમાં વિપક્ષી લેબર પાર્ટીના સાંસદ વીરેન્‍દ્ર શર્માને પણ ‘લિવિંગ લીજેન્‍ડ ઓનર'થી સન્‍માનિત કરાયા. શર્માએ કહ્યું કે, બંને દેશો વચ્‍ચે સંબંધો ક્‍યારેક શોષણ પર આધારિત હતા, પરંતુ હવે તે સમાનતા પર આધારિત છે. ‘આઉટ સ્‍ટેન્‍ડિંગ અચીવર્સ'થી સન્‍માનિત લોકોમાં બોલીવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરા, આમ આદમી પાર્ટી (આપ)ના પ્રવક્‍તા તેમજ રાજયસભાના સાંસદ રાઘવ ચડ્ડા, સીરમ ઈન્‍સ્‍ટીટ્‍યૂટ ઓફ ઈન્‍ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા અને ભારતીય મહિલા ફૂટબોલ ટીમના ગોલકીપર અદિતિ ચૌહાણ સામેલ છે.

(9:48 am IST)