Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વીમા સેકટરમાં FDIની સીમા ૪૯%થી વધારી ૭૪ ટકા કરવાની જાહેરાત

બજેટમાં વીમા ક્ષેત્રે મોટી જાહેરાત

નવી દિલ્‍હી તા. ૧ : નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્‍ય બજેટ ૨૦૨૧માં વીમા ક્ષેત્રમાં મોટા સુધારની ઘોષણા કરી છે. વીમા કંપનીઓમાં પ્રત્‍યક્ષ વિદેશી રોકાણની મર્યાદા ૪૯ ટકાથી ઘટીને ૭૪ ટકા કરવામાં આવી છે. સરકારે વીમા ક્ષેત્રમાં સુરક્ષાના ઉપાયોની સાથે વિદેશી માલિકીના હકને મંજુરી આપી દીધી છે. આ પગલાથી વીમા ક્ષેત્રમાં ભારે રોકાણ થવાની શક્‍યતા છે.

આ ઘોષણા બાદ સેન્‍સેકસમાં અંદાજે ૯૦૦ અંકોનો ઉછાળો જોવા મળ્‍યો છે. વધુમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે તેની ઘોષણા કરીને કહ્યું કે, વીમા કંપનીઓના પ્રબંધનમાં ભારતીય નિવાસીઓનું હોવું અનિવાર્ય હશે. વીમા નિયામક તેમજ વિકાસ પ્રાધિકરણએ અગાઉ પણ વીમા ક્ષેત્રમાં એફડીઆઇ લિમિટ વધારવાના પ્રસ્‍તાવનું સમર્થન કર્યું હતું.

સરકારે પ્રાઇવેટ બેંકોની જેમ વીમા ક્ષેત્રમાં પણ એફડીઆઇની લિમિટને ૭૪ ટકા કરી દીધી છે. મેનેજમેન્‍ટ કંટ્રોલ ભારતીયોના હાથમાં રહ્યા એવી જોગવાઇ બેંકોમાં પણ છે. સરકારના આ પગલાથી કારોબાર વધવા માટે મૂડી એકત્રિત કરવામાં મદદ મળશે. સરકારના વિનિવેશ કાર્યક્રમો પણ તેનાથી બુસ્‍ટ મળવાની આશા છે.

વીમા સેકટર તરફથી વિદેશી પ્રત્‍યક્ષ રોકાણની સીમા વધારવાની માંગ લાંબા સમયથી થઇ રહી હતી. નરેન્‍દ્ર મોદી સરકારે ૨૦૧૪માં વીમા ક્ષેત્રમાં એફડીઆઇની મર્યાદાને ૨૬ ટકાથી વધારીને ૪૯ ટકા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૦માં વીમા સેકટરને પ્રાઇવેટ ક્ષેત્રમાં ખોલવામાં આવ્‍યા હતા.

 

(2:47 pm IST)