Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

૧૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનની કોર્ટમાં ફાઇલ થયેલા કેસમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આખરે ફેંસલો આપ્યો

ઇસ્લામિક કાયદા મુજબ પ્રોપર્ટી વારસોમાં સરખા ભાગે વહેંચી દેવામાં આવી

ઇસ્લામાબાદ તા.૧: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મંગળવારે ૧૦૦ વર્ષ જૂના વડવાઓની સંપતિના કેસનો ચુકાદો આપ્યો હતો. પહેલી વાર આ કેસ ૧૯૧૮માં રાજસ્થાન કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંપત્તિથી જોડાયેલો આ કેસ ભાગલપુરની ૭૦૦ એકર જમીનનો હતો. ભાગલપુર વિસ્તાર ભાગલા પહેલાં રાજપૂતાના સ્ટેટ હેઠળ હતો.

ભાગલા બાદ આ કેસ ભાગલપુર ટ્રાયલ કોર્ટને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જે હવે પાકિસ્તાનના પંજાબ પ્રાંતનું એક શહેર છે. ૨૦૦૫માં આ કેસને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ઇસ્લામાબાદથી ભાગલપુર ગયેલા આ કેસમાં અરજદારોનો દાવો છે કે તેમના વડવા શાહબુદ્દીન અને શેરખાનના પુત્ર જ આ વિવાદિત જમીનના અસલી માલિક છે. શાહબુદ્દીન ૧૯૧૮માં મરણ પામ્યા હતા અને ત્યારથી જ આ કેસ ચાલી રહ્યો છે.

પાકિસ્તાનના ચીફ જસ્ટિસ મિયાં સાકિબ નિસારના અધ્યક્ષપદ હેઠળ ત્રણ જજિઝની બનેલી બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ફેંસલો સંભળાવતી વખતે પાકિસ્તાનના ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે આ સંપતિ ઇસ્લામિક કાયદા મુજબ તમામ ઉત્તરાધિકારીઓમાં સરખા ભાગે વહેંચી દેવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે કોર્ટ કોઇને પણ તેમના હકથી વંચિત ન રાખી શકે. પાકિસ્તાનની અદાલતમાં હજારો કેસ દાયકાઓથી પેન્ડિંગ પડ્યા રહ્યા છે. કાનૂની વિશેષજ્ઞોનું માનવું છે કે આવા કેસોનો નિકાલ પાકિસ્તાની પીનલ કોડમાં સુધારો કર્યા સિવાય નહીં લાવી શકાય.

(3:41 pm IST)