Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

શિક્ષણ અને રોજગારી ઉપર ભાર મુકતા જેટલી

૭૦ લાખ નવી નોકરીઓઃ ૫૦ લાખ છાત્રોને સ્‍કોલરશીપ

નવોદય વિદ્યાલયની જેમ ૨૦૨૨ સુધીમાં એકલવ્‍ય સ્‍કુલ ખોલાશેઃ ૧૮ નવી IIT અને NIIT શરૂ થશે

નવી દિલ્‍હી તા. ૧ : કેન્‍દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ પોતાના ચોથા બજેટમાં રોજગાર અને નાના ઉદ્યોગો માટે મોટી ઘોષણા કરી છે. નાણામંત્રીએ મુદ્રા યોજના માટે ૩ લાખ કરોડ રૂપિયાનું એલાન કર્યું છે. તેઓએ એ પણ જણાવ્‍યું કે, ૨૦૧૪માં સત્તા સાંભળ્‍યા બાદ વડાપ્રધાન મોદીની સામે રોજગારી પુરૂં પાડવું એક મોટો પડકાર હતો અને સરકારી આ દિશામાં મોટા પ્રમાણમાં પગલા ભર્યા છે.

લઘુ અને મધ્‍યમ ઉદ્યોગોને વધુ આગળ વધારવા માટે નાણામંત્રીએ ગયા વર્ષની સરખામણીએ ૨૦ ટકા વધુ રકમ મુદ્રા યોજના માટે ફાળવણી કરવાની ઘોષણા કરી. ગયા વર્ષે આ રકમ ૨.૪૪ લાખ કરોડ હતી. લઘુ ઉદ્યમીઓને પ્રોત્‍સાહન આપવાના ઉદ્દેશથી ૨૦૧૫માં વડાપ્રધાન મોદીએ આ યોજના શરૂ કરી હતી. એસકેઓસીએચના જણાવ્‍યા મુજબ આયોજનાથી અત્‍યાર સુધીમાં ૫.૫ કરોડ નોકરીઓનું સર્જન થયું છે. ઔદ્યોગીક વિકાસવાળા રાજ્‍યોને યોજનાનો સૌથી વધુ ફાયદો મળ્‍યો છે.

નાણામંત્રી જેટલીએ શિક્ષા અને રોજગાર પર જોર આપીને બાળકોને શાળા સુધી મોકલવા સુધીનું સીમીત નથી. પરંતુ શિક્ષણની ગુણવત્તા મુજબ શિક્ષણ આપવાની આવશ્‍યકતા છે. તેઓએ કહ્યું કે, શિક્ષાની ગુણવત્તા હજુ પણ ચિંતાનો વિષય છે.

નાણામંત્રી જેટલીએ જનજાતીય બાળકો માટે નવોદય વિદ્યાલય હેઠળ ૨૦૨૨ સુધી એકલવ્‍ય શાળા ખોલવામાં આવશે. તેઓએ કહ્યું કે, જે બ્‍લોકમાં ૫૦ ટકાથી વધુ અનસૂચિત જાતિ અને ઓછામાં ઓછા ૨૦ હજારની આદિવાસી વસ્‍તી છે ત્‍યાં તે શાળાનું નિર્માણ કરાશે. સાથે જ તેઓએ વડોદરામાં એક વિશિષ્‍ટ રેલવે યુનિવર્સિટીની સ્‍થાપનાનું એલાન કર્યું.

નાણામંત્રીએ કહ્યું કે, યુવાઓ માટે રોજગાર સર્જન અમારા નીતિ નિર્માણનું કેન્‍દ્ર બીંદુ છે અને સરકાર આ દિશામાં સતત કાર્ય કરી રહી છે. નાણામંત્રીએ આ નાણાકીય વર્ષમાં ૧૮ નવા આઇઆઇટી અને એનઆઇટી તૈયાર કરવાનું લક્ષ્ય પણ રાખ્‍યું છે.

નાણામંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ૨૦૨૦ સુધી રાષ્‍ટ્રીય કૌશલ વિકાસ સ્‍કીમ હેઠળ ૫૦ લાખ યુવાઓને તક આપવામાં આવશે. સાથે જ દેશના દરેક જિલ્લામાં કૌશલ વિકાસ કેન્‍દ્રની સ્‍થાપના કરવામાં આવશે.

આ ઉપરાંત જેટલીએ જણાવ્‍યું કે, નેશનલ સોશ્‍યલ આસિસ્‍ટન્‍ટ પ્રોગ્રામ હેઠળ અનેક કાર્ય કરવામાં આવશે. ડિજીટલ ઇન્‍ટેસિટીને પ્રોત્‍સાહિત કરાશે તેમજ એકીકૃત બીએડ કાર્યક્રમ પણ શરૂ કરાશે.

(3:01 pm IST)