Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

દિલ્હીવાસીઓને કેજરીવાલની નવા વર્ષની ભેટ : પાણી ઉપર મળતી છૂટને 31 માર્ચ સુધી લંબાવી

અત્યાર સુધીમાં 4.5 લાખ ઉપભોક્તાઓએ આ યોજનાનો લાભ લીધો: દિલ્હી જળબોર્ડને 632 કરોડ રુપિયાની આવક

નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દિલ્હીવાસીઓને નવા વર્ષે  મોટી રાહતના સમાચાર આપ્યા છે. કેજરીવાલ સરકારે પાણીના બિલ ઉપર મળનારી છૂટની યોજનાને 31 માર્ચ 2021 સુધી લંબાવી દીધી છે. આ યોજનાથી એ તમામ લોકોને ફાયદો તશે જેમના પાણીના બિલ 31 માર્ચ 2019થી બાકી છે. દિલ્હીના જળમંત્રીએ આ વાતની જાહેરતા કરી છે.

દિલ્હીના જળમંત્રી તેમજ દિલ્હી જળબોર્ડના ચેરમેને સતેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીવાસીઓ કોરોનાના કારણે અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. ત્યારે આ નિર્ણયથી એવા તમામ લોકોને બિલ ભરવાનો અવસર મળશે જેઓ હજુ સુધી કોઇ કારણોસર બિલ ચુકવી નથી શક્યા. અમને આશા છે કે આવા તમામ લોકો આ નિર્ણયનો લાભ લેશે.

અત્યાર સુધીમાં 4.5 લાખ ઉપભોક્તાઓએ આ યોજનાનો લાભ લીધો છે. જેના કારણે દિલ્હી જળબોર્ડને 632 કરોડ રુપિયાની આવક થઇ  છે. દિલ્હી જળ બોર્ડને મળેલા 632 કરોડ રુપિયામાંથી 400 કરોડ કરતા વધારેની રકમ 4.45 લાખ જેટલા ઘરેલું ઉપભોક્તાઓએ જમા કરાવી છે. જ્યારે 7836 કોમર્શિયલ ઉપભોક્તાઓએ અત્યાર સુધીમાં 232 કરોડ કરતા વધારેની રકમ જમા કરાવી છે.

આ યોજના અનુસાર જે લોકોના પાણીના બિલ 31 માર્ચ 2019 સુધી બાકી હોય તેવા તમામ લોકોને લેટ પેમેન્ટ ચાર્જમાંથી 100 ટકા રાહત આપવામાં આવી છે. તો બિલની મૂળ રાશિ ઉપર મળતી છૂટ હાઉસ ટેક્સ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી શ્રેણી ઉપર નિર્ભર કરે છે. આ ચોથી વખત છે, જ્યારે દિલ્હી જળ બોર્ડ દ્વારા લોકોને તક આપવામાં આવી છે

(10:01 pm IST)