Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

પ્રથમ તબક્કાના રસીકરણ માટે યાદી તૈયાર : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન

૨૦૨૧માં કોરોનાના મુકાબલા માટે દેશ સંપૂર્ણ સજ્જ : રાજ્યો પાસેથી માહિતી મગાવાઈ : હેલ્થ અને ર્ફ્ન્ટલાઈન વર્કર્સને એ પછી ૫૦થી વધુની વયના લોકોને રસી અપાશે

નવી દિલ્હી, તા. ૧ : દેશમાં રસીકરણની યોજના બનાવામાં આવી રહી છે. તેના માટે રાજ્યો પાસેથી માહિતી માંગવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને આજે કહ્યું કે પહેલાં તબક્કામાં વેકસીન આપવાની પૂરી તૈયારી થઇ ચૂકી છે. શરૂઆતમાં જે લોકોને કોરોનાની રસી અપાશે તેની યાદી તૈયાર થઇ ચૂકી છે. સૌથી પહેલાં હેલ્થ અને ફ્રંટલાઇન વર્કર્સ ને રસી અપાશે. ત્યારબાદ ૫૦ વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી અપાશે.

સ્વાસ્થ્ય મંત્રીના મતે રાજ્ય સરકારો, જિલ્લા અધિકારીઓ અને બ્લોક લેવલ પર આ સંબંધમાં નિર્દેશ આપી ચૂકયા છે. તમામને ગ્રાઉન્ડ સ્ટાફ, લોજિસ્ટિક્સને રિપેર કરવા માટે કહ્યું છે જેથી કરીને વેક્સીનની મંજૂરી મળતા જ રસીકરણ અભિયાન શરૂ થઇ શકે અને તેમાં કોઇ પરેશાની આવે નહીં. કોલ્ડ સ્ટોરેજ સિસ્ટમને રિપેર કરવાની તૈયારી ચાલી રહી છે. સાથો સાથ સિરિંજ અને વીજળી વ્યવસ્થાને શ્રેષ્ઠ કરવા પર જોર આપી રહ્યા છે. જિલ્લાથી બ્લોક લેવલ સુધી તેના માટે તૈયારી કરાય રહી છે. રસીકરણ અભિયાન માટે લોકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને આજે કોવિડ-૧૯ રસીકરણ અભિયાનના ડ્રાઇ રનની તૈયારીઓની ભાળ મેળવી લીધી. તેમણે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દિલ્હી સરકારની સાથે એક સમીક્ષા બેઠક કરી. આપને જણાવી દઇએ કે ૨ જાન્યુઆરીના રોજ દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડ્રાઇ રન કરાશે. તેમાં સરકારના નિર્દેશો અનુસાર રાજ્યોને પોતાના બે શહેરોને ચિન્હિત કરવા પડશે. ત્યારબાદ આ શહેરોમાં રસીની પહોંચ, હોસ્પિટલ સુધી જવાનું, પછી ડોઝ આપવાની પૂરી પ્રક્રિયાનું પાલન કરાશે, આ એક રિહર્સલની જેવું છે.

(7:39 pm IST)