Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ઇથિયોપિયામાં હજુ પણ ચાલી રહ્યું છે ૨૦૧૪નું વર્ષઃ એક વર્ષમાં ૧૩ મહિના ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ છે

એક તરફ જયાં દુનિયાભરમાં ૨૦૨૧ની શરૂઆત થઇ ચુકી છે ત્યાં બીજી બાજુ દુનિયાનો એક એવો દેશ પણ છે જયાં હજુ પણ ૨૦૧૪ ચાલી રહ્યું છેઃ આફ્રીકાના દેશ ઇથિયોપિયાનું કેલેન્ડર દુનિયાથી ૭થી ૮ વર્ષ પાછળ ચાલે છે

નવી દિલ્હી, તા.૧: એક તરફ જયાં દુનિયાભરમાં ૨૦૨૧ની શરૂઆત થઇ ચુકી છે ત્યાં બીજી બાજુ દુનિયાનો એક એવો દેશ પણ છે જયાં હજુ પણ ૨૦૧૪ ચાલી રહ્યું છે. આફ્રીકાના દેશ ઇથિયોપિયાનું કેલેન્ડર દુનિયાથી ૭થી ૮ વર્ષ પાછળ ચાલે છે. આ દેશ અનેક બાબતોમાં દુનિયાથી એક ડગલુ આગળ છે, જેમ કે અહીં વર્ષના ૧૨ નહીં પરંતુ ૧૩ મહિના છે. ચાલો તમને જણાવીએ કે શા કારણે આ દેશ વર્ષ અને સમયના મામલે દુનિયાથી આટલો અલગ છે.

૮૫ લાખથી વધુની વસ્તી સાથે આફ્રીકાના બીજા સૌથી વધુ વસ્તુ ધરાવતા દેશ તરીકે જાણતા ઇથિયોપિયાનું પોતાનું કેલેન્ડર ગ્રેગોરિયન કેલેન્ડરથી આશરે પોણા આઠ વર્ષ પાછળ છે. અહીં નવુ વર્ષ ૧ જાન્યુઆરીના બદલે દર ૧૩ મહિના બાદ ૧૧ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.

હકીકતમાં ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત ૧૫૮૨માં થઇ હતી. તેની પહેલા જૂલિયન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો. કેથલિક ચર્ચને માનતા દેશોએ આ નવા કેલેન્ડરનો સ્વીકાર કર્યો. જયારે અનેક દેશો તેનો વિરોધ કરી રહ્યાં હતા. તેમાં ઇથિયોપિયા પણ એક હતો.

ઇથિયોપિયામાં રોમ ચર્ચની છાપ રહી. એટલે કે ઇથિયોપિયન ઓર્થોડોકસ ચર્ચ માનતુ રહ્યું કે ઇસા મસીહનો જન્મ ૭ બીસીમાં થયો અને તે જ અનુસાર કેલેન્ડરની ગણતરી શરૂ થઇ. સાથે જ દુનિયાના બાકી દેશોમાં ઇસા મસીહનો જન્મ એડી૧માં જણાવવામાં આવ્યો છે. આ જ કારણ છે કે અહીં કેલેન્ડર હજુ પણ ૨૦૧૪નું જ ચાલી રહ્યું છે. જયારે તમામ દેશ ૨૦૨૧ની શરૂઆત કરી ચુકયા છે.ઇથિયોપિયન કેલેન્ડરમાં એક વર્ષમાં ૧૩ મહિના હોય છે. તેમાંથી ૧૨ મહિનામાં ૩૦ દિવસ આવે છે. અંતિમ મહિનો પાગ્યુમે કહેવામાં આવે છે. જેમાં પાંચ અથવા છ દિવસ આવે છે. આ મહિનો વર્ષના તે દિવસોની યાદમાં જોડીને બનાવવામાં આવ્યો છે. જે કોઇ કારણસર વર્ષની ગણતરીમાં નથી આવતાં.

પ્રવાસીઓ માટે મુશ્કેલી

ઇથિયોપિયાના લોકો ધ્યાન રાખે છે કે આ કેલેન્ડર અને તેની માન્યતાઓના કારણે પ્રવાસીઓને કોઇ પ્રકારની સમસ્યા ન થાય. જો કે ઇથિયોપિયા ફરવા જનારાઓને હોટલ બુકિંગ અને અન્ય બેસિક સુવિધાઓમાં કયાંક ને કયાંક આ કેલેન્ડરના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ઇથિયોપિયાની ખાસિયતો

આ દેશની અનેક અન્ય ખાસિયતો પણ છે. જેમ કે યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ સ્થાનોમાં સૌથી વધુ જગ્યા ઇથિયોપિયાની છે. જેમ દુનિયાની સૌથી ઉંડી અને લાંબી ગુફા, દુનિયાના સૌથી ગરમ સ્થળોમાંથી એક અને ઢગલાબંધ પ્રાકૃતિક સુંદરતાનો અહીં ખજાનો છે. જેના કારણે દુનિયાભરના પ્રવાસીઓ અહીં આવે છે. ૧૧ સપ્ટેમ્બરે ઉજવવામાં આવતુ નવુ વર્ષ પણ અહીં આકર્ષણનું કેન્દ્ર છે.

(3:44 pm IST)