Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વિજયભાઇ રૂપાણીનો વિરોધીને પડકાર... હું ટ્વેન્ટી ટ્વેન્ટી રમવા આવ્યો છું: મેં એકલા હાથે ત્રણ ઇનિંગમાં ત્રણ સદી ફટકારી છે

રાજકોટ તા. ૧: રાજકોટ મનપાના ૨૫ અને રૂડાના ૧૦ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ સીએમ રૂપાણીએ પ્રવચન કર્યુ હતું. જે દરમિયાન તેમણે વિરોધીઓને પડકારો ફેંકયો હતો. રૂપાણીએ કહ્યુ હતું કે મેં અગાઉ પણ કહ્યુ હતું કે, હું અહીં ૨૦-૨૦ રમવા આવ્યો છું અને મેં ત્રણ ઇનિંગમાં ત્રણ સદી ફટકારી પણ દીધી છે. રૂપાણીએ રાજ્યમાં ૩૦૦ ટીપી સ્કીમની મંજૂરીને પોતાની સરકારની મોટી ઉપલબ્ધી ગણાવી હતી. આ સ્કીમોની રચના કરીને ઇતિહાસ રચાયાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે, ૨૦૨૦માં આપણને ઘણુ શીખવા મળ્યુ. તમામ પડકારો ઝીલીને આપણે હેમખેમ બહાર નીકળ્યા છીએ. તેમણે કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. દારૂબંધી મામલે કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. દારૂબંધી માટે કડક કાર્યવાહી ગુજરાત સરકાર જ કરી રહી છે અને આગામી દિવસોમાં પણ કરશે. કોંગ્રેસની સરકાર જે રાજ્યમાં છે ત્યાં દારૂબંધી કેમ નથી થતી ? માત્ર ગુજરાતમાં વાતો કરીને કોંગ્રેસ લોકોને ભ્રમિત કરી રહી છે.

(3:19 pm IST)