Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

શહેરી ગરીબોને સસ્તા મકાનની ભેટ આપતા પીએમઃ ફ્રાંસની ટેકનોલોજીનો ઉપયોગ : રોજ ૨-૩ ઘર બનશે

રાજકોટ સહિત ૬ શહેરોમાં 'લાઇટ હાઉસ' પ્રોજેકટ હેઠળ ૧ વર્ષમાં ૧૦૦૦ મકાનો બનશે : પહેલા પૈસા આપવા છતાં મકાન મળતા નહોતા : રાજકોટ ખાતે બનનાર ૧૧૪૪ આવાસોનો કાર્યો શિલાન્યાસ

રાજકોટમાં બનનાર લાઇટ હાઉસીંગ પ્રોજેકટના ફલેટની પ્રતિકાત્મક તસ્વીર : લાભાર્થીને ફકત ફલેટની ચાવી નથી અપાતી તે વિકાસની ચાવી પણ છે : નરેન્દ્રભાઇ મોદી : રાજકોટઃ આજે દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં ૧૧૮ કરોડના લાઇટ હાઉસ પ્રોજેકટનું ઓનલાઇન ખાતમુહુર્ત કર્યુ હતું તે વખતની તસ્વીરમાં રિમોટ કંટ્રોલથી ખાતમુહુર્ત કરી રહેલા શ્રી મોદી દર્શાય છે તથા આ તકે રાજકોટમાં યોજાયેલ ડાયસ ફંકશનમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા રાજ્ય મંત્રી યોગેશ પટેલ, મ્યુ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી વગેરે દર્શાય છે. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી મોદીએ જણાવેલ કે દેશમાં આઝાદી પછી આવાસ યોજનાઓના પ્રોજેકટ સૌથી વધુ થયા છે અને હવે અદ્યતન ટેકનોલોજી સાથેનાં ફલેટ લાભાર્થીને અપાય છે. તેથી તેઓને માત્ર ફલેટની ચાવી નહી પરંતુ દેશના વિકાસની ચાવી અપાય છે. કેમ કે જે લોકો તેમાં રહેવા જશે તેઓની રહેણી-કરણી સુધરશે. તેઓનો વિકાસ થશે તેની સાથે દેશનો પણ વિકાસ થઇ રહયો છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૦ સુધી દેશના તમામ બેઘર પરિવારો પાકા મકાનો પુરા પાડવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. આ દિશામાં પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફોન્સિંગ દ્વારા લાઇટ હાઉસ પ્રોજેકટનું ઉદઘાટન કર્યું હતું. નવા વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રથમ કાર્યક્રમ છે.

પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે આજે મધ્યમ વર્ગના લોકો માટે ઘર બનાવવાની દિશામાં નવી ટેકનોલોજી મળી રહી છે. આ ૬ લાઇટ હાઉસ પ્રોજેકટ દેશના નિર્માણની દિશામાં નવો માર્ગ બતાવશે. પીએમએ કહ્યું કે આ કો-ઓપરેટિવ ફેડરલિઝમનું ઉદાહરણ છે.  પ્રધાનમંત્રીએ કહ્યું કે આ લાઇટ હાઉસ પ્રોજેકટ આધુનિક ટેકનોલોજીથી બનશે. આ વધુ મજબૂત હશે અને ગરીબોને સુવિધાજનક અને આરામદાયક ઘર મળશે. પીએમએ કહ્યું હતું કે એક સમય હતો જયારે નિર્માણ સરકારની પ્રાથમિકતામાં ન હતી. પરંતુ તેને બદલવામાં આવી. પીએમએ કહ્યું કે આવાસ નિર્માણને પણ સ્ટાર્ટઅપની માફક ચુસ્ત દુરસ્ત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે લાઇટ હાઉસ પ્રોજેકટ હેઠળ દેશના ૬ શહેરોમાં ૩૬૫ દિવસોમાં ૧ હજાર મકાન બનશે. પીએમ મોદીએ કહ્યું કે તેનો અર્થ એ છે કે દરરોજ અઢી થી ત્રણ મકાન બનશે. તેમણે એંજીનિયર, વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને અપીલ કરી કે તે સાઇટો પર જાય અને આ પ્રોજેકટનું અધ્યયન કરે. પીએમએ આ તમામ પ્રોજેકટ માટે વિદેશી ટેકનોલોજીની મદદ લીધી છે. તમે તેનું નિરિક્ષણ કરો અને જુઓ કે આ ભારત માટે યોગ્ય છે કે પછી તેમાં સુધારાની જરૂર છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે થોડા વર્ષોમાં પહેલાં સુધી ઘર ખરીદનારાઓની સ્થિતિ ખરાબ હતી. ઘરના ઘરના સપનાને સાકાર કરવું મુશ્કેલ કામ હતું. પૈસા આપવા છતાં મકાન મળતા ન હતા. મકાન ખરીદનાર પૈસા ચૂકવી દેતો હતો અને ઘર મળવાની રાહ જોતો હતો.

આજના આધુનિક યુગમાં વૈશ્વિક સ્તરે શહેરીકરણનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે શહેરોમાં પર્યાવરણને સાનુકૂળ હોય તેવી ગ્રીન ટેકનોલોજીથી આવાસોનું નિર્માણ થાય તે દિશામાં કેન્દ્ર અને ગુજરાત સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. આ માટે ભારત સરકારના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા વિશ્વસ્તરે સફળ નિવડેલી છ ટેકનોલોજીની પસંદગી કરવામાં આવી છે. આ ટેકનોલોજીથી 'લાઈટ હાઉસ પ્રોજેકટ' હેઠળ ભારતના છ શહેરો - રાજકોટ, ઈંદોર, ચેન્નાઈ, રાંચી, અગરતાલા અને લખનઉ – પ્રત્યેકમાં ૧૦૦૦થી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવશે. જે પૈકી રાજકોટ ખાતે બનનાર ૧૧૪૪ આવાસોનો શિલાન્યાસ પ્રધાનમંત્રીએ કર્યો હતો.

આ આવાસોના નિર્માણમાં પ્રવર્તમાન કન્સ્ટ્રકશન પદ્ઘતિના બદલે આર્થિક રીતે પરવડે તેવી, હોનારતોમાં ટકી શકે તેવી મજબૂત અને પર્યાવરણને સાનુકૂળ એવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ઉચ્ચ ગુણવત્તાયુકત આ મકાનો ઈનોવેટીવ કન્સ્ટ્રકશન ટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ, ટેસ્ટીંગ, ટેકનોલોજી ટ્રાન્સફર અને જનજાગૃતિ માટેની એક 'લાઈવ લેબોરેટરી' સમાન બની રહેશે. આ આવાસના નિર્માણ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી પ્રતિ આવાસ રૂ. ૧.૫ લાખની સહાય ઉપરાંત કેન્દ્રીય હાઉસિંગ મંત્રાલય દ્વારા વધારાની ગ્રાંટ પણ ફાળવવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે કન્સ્ટ્રકશન ક્ષેત્રે ઉપયોગમાં લેવાતી જુદી-જુદી ગ્રીન ટેકનોલોજી પૈકીની શ્રેષ્ઠ ટેકનોલોજીની ઓળખ માટે ભારત સરકારે જાન્યુઆરી-૨૦૧૯ માં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજે ચેલેન્જ ઈન્ડિયા (GHTC – India) લોન્ચ કરી હતી. જે પૈકી વિશ્વસ્તરે સફળ નીવડેલી ૫૪ ટેકનોલોજીને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. જે પૈકીની છ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતના છ શહેરોમાં લાઈટ હાઉસ પ્રોજેકટ હેઠળ આવાસ નિર્માણના પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે.

(3:18 pm IST)