Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રેલ યાત્રી કૃપયા ધ્યાન દે...

ભારતીય રેલવેએ નવા વર્ષથી શરૂ કરી ડિસ્પોઝેબલ ટ્રાવેલ બેડરોલ કીટ

નવી દિલ્હીઃ કોરોના કાળમાં હવાઈ યાત્રા હોય કે ટ્રેનની મુસાફરી, તમામમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ભારતીય રેલવેએ AC કલાસના મુસાફરોને ટ્રેનમાં મળનારા બેડરોલની સુવિધા બંધ કરવાની સાથે જ માત્ર રિઝર્વેશન ટિકિટ ઉપર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી. તેના કારણે મુસાફરને ઘણી મુશ્કેલી ભોગવવી પડી. ટ્રેનમાં બેડરોલની સુવિધા બંધ કરવાના કારણે મુસાફરોએ જાતે ઓઢવાનું વગેરે લઈને જવું પડતું હતું. પરંતુ નવા વર્ષમાં રેલવે પોતાના મુસાફરો માટે એક નવી પહેલ શરુ કરવા જઈ રહી છે, જેનાથી રેલવે મુસાફરોની સફર ઘણી આરામદાયક થઈ જશે.

રેલવેએ વધતી ઠંડી અને મુસાફરોની જરૂરિયાતોને જોતા ટ્રેનમાં ડિસ્પોઝેબલ ટ્રાવેલ બેડરોલ કિટ આપવાનો નિર્ણય લીધો છે. મુસાફરો નવા વર્ષથી સફર દરમિયાન આ સુવિધાનો લાભ લઈ શકશે. જોકે, તેના માટે મુસાફરોને થોડાક નાણા પણ ચૂકવવા પડશે.

આ ડિસ્પોઝેબલ ટ્રાવેલ કિટની કિંમત ૨૭૫ રૂપિયા રાખવામાં આવી છે. રેલવેએ કહ્યું કે રેલવે બોર્ડની ગાઇડલાઇન્સ હેઠળ ટ્રાવેલિંગ પેસેન્જર માટે એક ફુલ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એક ધાબળો, બે પીસ ડિસ્પોઝેબલ બેડશીટ, એક ઓશિકું, એક હેડ કવર, એક જોડી હેન્ડ ગ્લોવ્ઝ, એક માસ્ક, પેપર સોપ, હેન્ડ સેનિટાઇઝર અને પેપર નેપકિન સામેલ છે. રેલવેએ જે રીતે આ કીટ તૈયાર કરી છે તે મુસાફરોની સુવિધા અને જરૂરિયાતોને જોતાં ઘણી સસ્તી છે.

(2:52 pm IST)