Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

જાન્યુઆરીથી માર્ચ માટે

PPF - NSC - નાની બચતના વ્યાજદરો યથાવત

નવી દિલ્હી તા. ૧ : સરકારે પબ્લીક પ્રોવીડન્ટ ફંડ (પીપીએફ) અને નેશનલ સેવીંગ સર્ટીફીકેટ (એનએસસી) સહિત વિભીન્ન લઘુ બચત યોજનાઓ પર વ્યાજના દરોમાં જાન્યુઆરી-માર્ચ ત્રિમાસીક માટે કોઇ ફેરફાર નથી કર્યા. એફડી પર વ્યાજના દરોમાં ઘટાડા વચ્ચે સરકારે સામાન્ય લોકોમાં અત્યંત લોકપ્રિય નાની મુદ્દતની બચત યોજનાઓ પર વ્યાજનો દર યથાવત રાખ્યો છે. સરકારના આ નિર્ણય પછી પીપીએફ પર ૭.૧ ટકા અને એનએસસી પર ૬.૮ ટકાના દરે વ્યાજ મળવાનું ચાલુ રહેશે. નાણા મંત્રાલય ત્રિમાસીક આધાર પર નાની મુદ્દતની બચત યોજનાઓ પર વ્યાજ દર અંગેની અધિસૂચના જાહેર કરે છે.

સરકારની અધિસૂચના અનુસાર, પાંચ વર્ષની સીનીયર સીટીઝન બચત યોજના પર વ્યાજના દર ૭.૪ ટકા યથાવત રખાયા છે. સીનીયર સીટીઝન સાથે સંકળાયેલી આ સ્કીમ પર ત્રિમાસીક વ્યાજ ચૂકવાય છે. સેવીંગ ડીપોઝીટ પર વ્યાજના દર વાર્ષિક ચાર ટકા યથાવત રાખવામાં આવ્યા છે. આ જ રીતે છોકરીઓ માટેની બચત યોજના સુકન્યા સમૃધ્ધિ યોજના પર ૭.૬ ટકાનો વ્યાજ દર જેમનો તેમ રાખવામાં આવ્યો છે.

સરકારે આવી જ રીતે કિસાન વિકાસ પત્ર (કેવીપી) પરનો ૬.૯ ટકાનો વ્યાજદર પણ યથાવત રાખ્યો છે, તો એકથી પાંચ વર્ષની ટર્મ ડીપોઝીટ પર વ્યાજનો દર ૫.૫ - ૬.૭ વચ્ચેનો પણ જાળવી રાખ્યો છે. પાંચ વર્ષની રિકરીંગ ડીપોઝીટ પર વયાજનો દર ૫.૮ ટકા પણ યથાવત રાખવામાં આવ્યો છે.

(12:51 pm IST)