Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

કોરોના ઇફેકટ : દેશમાં ન્યુ યરની ઉજવણી ફિક્કી

દિલ્હી - મુંબઇ સહિતના શહેરોમાં રહ્યો રાત્રીનો કર્ફયુ

નવી દિલ્હી તા. ૧ : કોરોના વાયરસની કાળી છાયા ગુરૂવારે રાત્રે નવા વર્ષના સમારંભો પર પડી હતી. દિલ્હી, મુંબઇ, બેંગ્લોર સહિત દેશના કેટલાય શહેરોમાં રાત્રી કર્ફયુ હોવાના કારણે મોટાભાગના લોકોએ ઘરે રહેવાનું જ ઉચીત માન્યું હતું.

દિલ્હી સરકારે કોરોનાના નવા સ્વરૂપના સંક્રમણને ધ્યાનમાં રાખીને ૩૧ ડીસેમ્બર અને ૧ જાન્યુઆરીની રાતના ૧૧ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો રાત્રી કર્ફયુ લાગુ કરી દીધો છે જેથી નવા વર્ષની ઉજવણી માટે લોકો ભેગા ન થાય. દિલ્હીના મુખ્ય સચિવ અને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના પ્રમુખ વિજય દેવ દ્વારા જાહેર કરાયેલ આદેશ અનુસાર, રાત્રી કર્ફયુ ૩૧ ડિસેમ્બર રાત્રીના ૧૧ વાગ્યાથી ૧ જાન્યુઆરી સવારના ૬ વાગ્યા સુધી અને એક જાન્યુઆરી રાતના ૧૧ વાગ્યાથી ૨ જાન્યુઆરી સવારના ૬ વાગ્યા સુધી રહેશે. દિલ્હીમાં રાત્રી કર્ફયુની જાહેરાતે નવા વર્ષનો જશ્ન મનાવવા અને ૨૦૨૧નું સ્વાગત કરવા માટે પોતાના મિત્રો અને કુટુંબીજનો સાથે ગુરૂવારે રાત્રે કયાંક જવા ઇચ્છતા લોકોની યોજનાઓ પર પાણી ફેરવી દીધું હતું અને લોકોના ઉત્સાહને ઠંડો કરી નાખ્યો હતો. જાહેરાત પછી તરત જ લોકો હોટલો અને રેસ્ટોરન્ટના બુકીંગો કેન્સલ કરાવવા લાગ્યા હતા.

શહેરની કેટલીય હોટલો, રેસ્ટોરન્ટો અને અન્ય સંસ્થાઓએ મધ્ય રાત્રીના આ જલસા માટે બુકીંગ લઇ લીધા હતા અને તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. પણ કર્ફયુની જાહેરાત પછી કાર્યક્રમો ઝડપથી કેન્સલ થવા લાગ્યા. દેશમાં મહામારી શરૂ થયાના ૧૦ મહિના પછી આ લોકો કંઇક સારો ધંધો થવાની આશા કરી રહ્યા હતા. તેમણે લોકોને સમજાવ્યા કે પ્રતિબંધ જાહેર જગ્યાઓ માટે છે, જેમાં પાક ર્અથવા કોઇ પણ ખુલ્લી જગ્યા સામેલ છે, પણ તેમાં લાઇસન્સવાળી જગ્યાઓ સામેલ નથી. તેમ છતાં લોકોએ ઘરે પાછા જતી વખતે થનાર મુશ્કેલીથી બચવા પોતાના બુકીંગો કેન્સલ કરાવ્યા હતા.

(11:27 am IST)