Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

લો કર લો બાત... બીજી પત્નીને પુત્રી જન્મી તો પહેલી પત્નીને પાછી લઇ આવ્યા : વિચિત્ર કિસ્સો

વિધુર હોવાનું કહી કર્યા બીજા લગ્ન : બીજી પત્નીની બગાવત : ઘરની બહાર ઝુપડી બનાવી રહેવા લાગી

મેરઠ તા. ૧ : મહિલાઓ ભલે પુરુષ સમોવડી બની ગઈ હોય, તેમ છતાં આજે પણ આપણા સમાજના કેટલાક લોકો ઘરે દીકરીનો જન્મ થાય ત્યારે શોક લઈને બેસી જતા હોય છે. ઉત્તરપ્રદેશના મેરઠ જનપદના પલ્લવપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. જયાં એક યુવકે પહેલા તો પોતે વિધુર છે તેવું ખોટું બોલીને લગ્ન કરી લીધા અને જયારે તેની પત્નીએ દીકરીને જન્મ આપ્યો તો તેને ઘરમાંથી કાઢી મૂકી. જે બાદ તે પોતાની પહેલી પત્ની અને બાળકોને ઘરમાં લઈ આવ્યો. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની માહિતી મળ્યા બાદ યુવકની બીજી પત્ની તેના ઘરની બહાર ઝૂંપડી બનાવીને રહેવા લાગી છે. હાલ, મહિલા આઠ મહિનાની માસૂમ દીકરી સાથે હાડ થીજવી દેતી ઠંડીમાં ઘર બહાર ઊંઘે છે. તેનું કહેવું છે કે, પોલીસ તેની વાત સાંભળી રહ્યા નથી.

 

કૌશાંબી જિલ્લામાં રહેતી વિમળાના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૯માં તેની મુલાકાતા મેરઠના પલ્લવપુરમમાં રહેતા પ્રમોદ સાથે થઈ હતી. તે સમયે પ્રમોદે તેની પત્નીનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જે બાદ વિમળા અને પ્રમોદે લગ્ન કરી લીધા હતા. આઠ મહિના પહેલા વિમળાએ દીકરીને જન્મ આપતાં પ્રમોદનુંં વર્તન એકદમ બદલાઈ ગયું હતું. અને કોઈને કોઈ વાતને લઈને વિમળા સાથે મારઝૂડ કરતો હતો. થોડા સમય પહેલા વિમળાનું નવું આધાર કાર્ડ બનાવવાના બહાને પ્રમોદ તેને અને તેની દીકરીને તેના પિયર મૂકી આવ્યો હતો.

વિમળાના જણાવ્યા પ્રમાણે, તે ઘણા દિવસથી પ્રમોદને ફોન કરને પોતાને ઘરે લઈ જવા માટે કહેતી હતી. જો કે, તે કોઈને કોઈ બહાનું આગળ ધરીને વાતને ટાળી દેતો હતો. આ વચ્ચે પ્રમોદના પાડોશીઓએ વિમળાને ફોન કરીને જણાવ્યું હતું કે, તેના ઘરમાં એક મહિલા અને બે બાળકો રહેવા આવ્યા છે. જે બાદ વિમળા તેની માતા સાથે ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરતાં જાણ થઈ હતી કે, તે મહિલા અન્ય કોઈ નહીં પરંતુ પ્રમોદની પહેલી પત્ની છે.

પોતાની સાથે વિશ્વાસઘાત થતાં પીડિત વિમળા પલ્લવપુરમ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જો કે, પોલીસે તેની વાત સાંભળી નહીં. જે બાદ તે પતિના ઘરની સામે ઝૂંપડી બનાવીને રહેવા લાગી છે. કડકડતી ઠંડીમાં હાલ તે આઠ મહિનાની દીકરી સાથે ઝૂંપડીમાં રહે છે. તેનું કહેવું છે કે, જયાં સુધી તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી તે ત્યાંથી હટશે નહીં.

બીજી તરફ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, મહિલાએ કોઈ ફરિયાદ નોંધાવી નથી. તેમ છતાં તેમની ટીમ આરોપીની શોધમાં તેના ઘરે પહોંચી હતી. પોલીસને જોઈને પ્રમોદની પહેલી પત્નીએ છત પરથી કૂદવાની ધમકી આપી હતી. તો પ્રમોદ ઘરેથી ફરાર છે.

(11:13 am IST)