Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

અમેરિકા દ્વારા વર્ક વિઝા પર પ્રતિબંધ લંબાવી દેવાયો

નવા વર્ષે જ ટ્રમ્પે ઈમિગ્રન્ટ વર્કર્સને આંચકો આપ્યો :અમેરિકામાં કામ કરવા વિદેશી લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા કેટલાંય અસ્થાયી વીઝાને રોકી દેવામાં આવ્યા

વોશિંગ્ટન, તા. ૧ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષ ૨૦૨૧ના રોજ ઇમિગ્રન્ટ વર્કર્સને ઝાટકો આપતા ત્રણ મહિના માટે અગાઉ લાગૂ કરેલા વર્ક વિઝા પર પ્રતિબંધ લંબાવી દીધો છે. હવે આ પ્રતિબંધ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારના રોજ એ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં કોરોનાવાયરસ મહામારીના લીધે વર્ક વિઝા ઇશ્યુને ત્રણ મહિના માટે સ્થગિત કરી દીધા છે.

ટ્રમ્પે જાહેરાત કરતાં લખ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સના અમેરિકાના શ્રમ બજાર અને અમેરિકન સમુદાયોના સ્વાસ્થ્ય પર કોવિડ-૧૯ ની અસર હાલ રાષ્ટ્રીય સ્તરે ચાલુ છે. ઘોષણા પત્રમાં બેરોજગારીનો દર, રાજ્યો દ્વારા આપવામાં આવતા વ્યવસાયો પર મહામારી સંબંધિત પ્રતિબંધ અને જૂનથી કોરોનોવાયરસ સંક્રમણ વધવાનો હવાલો પણ આપ્યો છે.

અમેરિકામાં કામ કરવા માટે વિદેશી લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા કેટલાંય અસ્થાયી વીઝાને રોકી દેવામાં આવ્યા છે, જેમાં એચ-૨બી કાર્યક્રમ પણ સામેલ છે જે બિન કૃષિ મોસમી શ્રમિકો માટે રજૂ કરાય છે. આ સિવાય એચ-૧બી વીઝાને આઈટી ક્ષેત્રના લોકોની વચ્ચે ખૂબ લોકપ્રિય છે તે પણ સામેલ છે. પ્રતિબંધિત કરાયેલા વીઝામાં જે-૧ વીઝા પણ સામેલ છે જે સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે અપાય છે. એચ-૧બી અને એચ-૨બી ધારકોના જીવનસાથી માટે વીઝા અને કંપનીઓ માટે એલ વીઝા જે અમેરિકામાં કર્મચારીઓને સ્થળાંતરિત કરવા માટે રજૂ કરાય છે તેને પણ સસ્પેન્ડ કરાયા છે.

ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે આ ઉદઘોષણા ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ સમાપ્ત થશે અને જરૂરિયાત મુજબ ચાલુ રાખવામાં આવી શકે છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ ના ૧૫ દિવસની અંદર અને ત્યારબાદ દર ૩૦ દિવસોમાં જ્યારે આ ઘોષણા અસરકારક છે. જરૂર પડવા પર ગૃહ સચિવ, રાજ્ય સચિવ અને શ્રમ સચિવનો સંપર્ક કરીને તેઓ કોઈપણ પ્રકારના સંશોધનની ભલામણ કરી શકે છે.

(7:45 pm IST)