Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

GST રિટર્ન ફાઈલ કરવાની તારીખ બે મહિના લંબાવાઈ

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારવાની સાથે-સાથે સરકારે જીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પણ વધારી દીધી છે

નવી દિલ્હી, તા.૧: મોદી સરકારે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે જીએસટી ભરવાની છેલ્લી તારીખને ૨ મહિના માટે વધારી દીધી છે. પહેલા છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર હતી, પરંતુ હવે તેને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી વધારી દેવાઈ છે. હકીકતમાં, બિઝનેસ અને ટેકસ કન્સલ્ટન્ટ્સે મોદી સરકારને અપીલ કરી હતી કે, કોરોનાના કારણે ઘણી મુશ્કેલી પડી છે, તેના પગલે જીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગે ૩૦ ડિસેમ્બરે જ આઈટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી હતી. અલગ-અલગ કેટેગરી માટે છેલ્લી તારીખને અલગ-અલગ અવધિ માટે વધારાઈ છે. તેમાં સૌથી મહત્વનું એ છે કે, જે લોકોએ પોતાનું આઈટીઆર ફાઈલ કરવા માટે પોતાના અકાઉન્ટ્સનું ઓડિટ કરાવવાનું નથી હોતું અને જે પોતાનું રિટર્ન આઈટીઆર-૧ કે આઈટીઆર- ફોર્મ દ્વારા ભરે છે, તેમણે હવે ૧૦ જાન્યુઆરી સુધી રાહત મળી ગઈ છે.

આ ત્રીજી વખત છે કે, જયારે આવકવેરા વિભાગે ઈનકમ ટેકસ ભરવાની છેલ્લી તારીખ વધારવામાં આવી છે. આ પહેલા આવકવેરા વિભાગે પહેલા ૩૧ જુલાઈથી છેલ્લી તારીખે ૩૦ નવેમ્બર સુધી વધારી હતી, પછી તેને ૩૧ ડિસેમ્બર સુધી કરાઈ હતી અને હવે તેને ફરીથી વધારીને ૧૦ જાન્યુઆરી સુધી કરી દેવાઈ છે.

જે કરદાતાઓના અકાઉન્ટ્સ ઓડિટ કરવાની જરૂર હોય છે, તેમના માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૧૫ ફેબ્રુઆરી સુધી વધારી દેવાઈ છે. તો, આવકવેરા વિભાગે ટેકસ ઓડિટ રિપોર્ટ કરવાની છેલ્લી તારીખને પણ ૧૫ જાન્યુઆરી સુધી વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે, તેની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર હતી. 'વિવાદથી વિશ્વાસ' સ્કીમ અંતર્ગત પોતાનું ડિકલેરેશન આપવાની તારીખ પણ ૩૧ જાન્યુઆરી સુધી વધારી દેવાઈ છે.

(10:06 am IST)