Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

અમદાવાદના થલતેજના ગાર્ડનમાં એલીયન મોનોલીથ મુકી ગયું ?

નિષ્ણાંતો કહે છે કે મોનોલીથએ ખુબ મોંઘો અને વિશીષ્ટ પથ્થર છે, તે ભાગ્યે જ જોવા મળે છે : ભારે અફવા ફેલાતા ગાર્ડનમાં લોકોના ટોળા ઉમટયાઃ જો કે બગીચામાં મુકવામાં આવેલુ સ્ટ્રકચર પથ્થરનું નહિ પણ સ્ટીલનું બનેલુ છે

રાજકોટઃઅમદાવાદ શહેરના થલતેજના ખાનગી ગાર્ડનમાં આપમેળે રહસ્યમયી મોનોલિથ આવ્યું હોવાની વાત માત્ર અફવા સાબિત થઇ છે. મોનોલિથ એ કીમતી પથ્થરમાંથી બનતું સ્ટ્રકચર છે. થલતેજમાં જે સ્ટ્રકચર મૂકવામાં આવ્યંુ છે તે પથ્થરનું નથી, પરતું સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે. સ્ટીલના સ્ટ્રકચર પર લેટિટ્યૂટ નંબર લખવામાં આવ્યા છે, જેના પરથી સ્પષ્ટ જાણી શકાય છે કે, વાઇલ્ડ લાઇફને પ્રમોટ કરવા માટે આ સ્ટ્રકચર ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યું છે. આ ત્રિકોણીય સ્ટ્રકચરની લંબાઇ ૬ ફૂટ જેટલી છે, પરતું તેને જમીનમાં ખોદીને નાખવાના કોઇ નિશાન જોવા મળતા નથી. લોકો એલિયન મૂકી ગયાની વાતોમાં આવીને તેની પાસે સેલ્ફી પડાવતા હતા.

મોનોલીથ ખુબ મોંઘો-વિશિષ્ટ પથ્થર

મોનોલીથ વિશેના નિષ્ણાતો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ મોનોલીથ એ ખૂબ મોંદ્યો અને વિશિષ્ટ પથ્થર છે. તે ભાગ્યે જ ભારતમા જોવા મળે છે, પરંતુ સ્ટ્રકચરની ધાતુ સ્ટીલ છે અને તેને ચોક્કસ હેતુના પ્રચાર માટે બનાવવામાં આવ્યું છે.

અમેરિકામાં પહેલો મોનોલિથ જોવા મળ્યો હતો

આ વર્ષે નવેમ્બરમાં અમેરિકાના યુટાના રણમાં ૧૨ ફૂટનો પહેલો રહસ્યમય મોનોલિથ જોવા મળ્યો હતો. ત્યારબાદ અમેરિકાના કેલિફોર્નિયા, યુરોપિયન કંન્ટ્રી રોમાનિયા તથા અન્ય સ્થળે મોનોલિથ જોવા મળ્યા હતા. દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૩૦ દેશોના વિવિધ સ્થળોએ આ રહસ્યમય મોનોલિથ જોવા મળ્યા છે.  સ્ટીલ સ્ટ્રકચરના મોનોલિથમાં કેટલાક નંબર પણ લખાયેલા જોવા મળ્યાં

આ સ્ટ્રકચર પર એક સિમ્બોલ પણ બનાવ્યો છે

ખાનગી ગાર્ડનમાં મૂકેલા ત્રિકોણ આકારના સ્ટીલના સ્ટ્રકચર ઉપર કેટલાક નંબર લખવામાં આવ્યા છે. તેની ઉપરની તરફ એક સિમ્બોલ બનાવવામાં આવ્યું છે. તે અંગે અટકળો ચાલી રહી છે, પરતું સાચી હકીકત જાણવા મળી નથી.મોનોલિથને કેટલાક લોકો મિસ્ટ્રી સ્ટોનના નામે ઓળખે છે. અહીં જોવા મળેલા મોનોલિથની જાણકારી  અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન કે ગાર્ડન સંચાલન કરનાર પાસે નથી.

મોનોલિથમાં નંબર અને સિમ્બોલ પણ છે

સિમ્ફની ગાર્ડનમાં અચાનક પ્રગટ થયેલા ત્રિકોણાકાર સ્ટીલના સ્ટ્રકચરના મોનોલિથમાં કેટલાક નંબર પણ લખાયેલા જોવા મળ્યાં છે. ગાર્ડનમાં આવતાં લોકો તેને કૂતુહલતાથી જોઈ રહે છે. લોકો તેની સાથે તસવીરો પણ પાડે છે. આ મોનોલિથના ઉપર એક સિમ્બોલ પણ જોવા મળ્યું છે. સિમ્ફની ગાર્ડન પીપીપી ધોરણે ઊભા કરાયો છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  અને સિમ્ફની કંપનીએ મળીને પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ  ધોરણે ગાર્ડન બનાવ્યો છે. પરંતુ અહીં જોવા મળેલા મોનોલિથની જાણકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગાર્ડન સંચાલન કરનાર પાસે નથી. ૨૦૦૧: અ સ્પેસ ઓડેસી નામની સાયન્સ ફિકશન બુકમાં મોનોલિથનો ઉલ્લેખ કરાયો છે.

ઓર્થર સી કલાર્ક નામના રાઈટરની સાયન્સ ફિકશન સ્ટોરી જેવા મોનોલિથ

૧૯૬૮માં ઓર્થર સી કલાર્કના ૨૦૦૧: અ સ્પેસ ઓડેસી નામની સાયન્સ ફિકશન બુકમાં આ પ્રકારના રહસ્યમય મોનોલિથનો ઉલ્લેખ કરાયો હતો. આ બુક પરથી હોલિવુડમાં આ જ નામથી એક ફિલ્મ પણ બની હતી. બુક અનુસાર એલિયન્સે મોનોલિથ લગાવ્યા હતા, જેથી સ્પેસમાં સાથી એલિયન્સ સાથે સંપર્ક કરી શકાય. આ મોનોલિથ પૃથ્વી પર પ્રાગઐતિહાસિક યુગની એક જાતિના લોકોનો મગજનો વિકાસ કર્યો હતો અને તેના પરિણામે આજના મનુષ્યનો જન્મ થયો છે.

કેટલાક દેશોમાં મેનોલિથ આવીને ગાયબ થઇ જાય છે

દુનિયાના ૩૦ દેશોમાં મોનોલિથ સ્ટ્રકચર અચાનક આવી જાય છે અને આપમેળે જ ગાયબ થઇ જતાં હોવાના સમાચારો જાણવા મળ્યા હતા. ત્યારબાદ અમદાવાદમાં આ પ્રકારે સ્ટ્રકચર જોવા મળતા લોકોને આશ્યર્ય થયું હતું.  

(2:55 pm IST)