દેશ-વિદેશ
News of Monday, 16th July 2018

૭ દિવસ સુધી ૨૦૦ ફુટ ઊંડી ખીણમાં કારના રેડિએટરનું પાણી પીને જીવતી રહી આ મહિલા

ન્યુયોર્ક તા.૧૬: અમેરિકાના પોર્ટલેન્ડ શહેરમાં રહેતી અન્ગેલા હર્નાન્ડેઝ નામની ૨૩ વર્ષની યુવતી કેલિફોર્નિયામાં દરિયાની ખાડી પાસે ૨૦૦ ફુટ ઊંડેથી મળી આવી હતી. અન્ગેલા છેક ગયા શનિવારે એ ખાડીમાં પડી હતી અને સાત દિવસ પછી તેને બહાર કાઢવામાં આવી હતી. વાત એમ હતી કે શનિવારે તે લોસ એન્જલસમાં રહેતી પોતાની બહેન ઇસાબેલને ત્યાં જવા જાતે ડ્રાઇવ કરીને નીકળી હતી. રસ્તામાં અચાનક કોઇક જંગલી પ્રાણી સામે આવીને અથડાયું એટલે તેને બચાવવા જતાં અન્ગેલાની ગાડી પલ્ટી ખાઇને બાજુની ખાડીમાં જઇ પડી. ૨૦૦ ફુટ ઊંડી ખાઇમાં પડવાથી તેને ખાસ્સી ઇજા થયેલી એને કારણે ન તો તે બોલી શકતી હતી. તેની કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. છેક આ શુક્રવારે સાંજે દરિયા કિનારા પાસે ફરવા આવેલા એક યુગલને પર્વતની તળેટીમાં એક વાહન દેખાયું અને એમાં અન્ગેલા પણ દેખાઇ તેમણે તરત જ પોલીસને જાણ કરી. જયારે પોલીસના કાફલાએ બચાવકાર્ય આરંભ્યું ત્યારે અન્ગેલા બેભાન હતી. છ દિવસથી અન્ગેલા મિસિંગ છે એવો રિપોર્ટ તેની બહેને પોીસમાં લખાવેલો એટલે પોલીસ આમેય તેની શોધમાં હતી. તેને બહાર કાઢીને હોસ્પિટલ ભેગી કરવામાં આવી. તે ભાનમાં આવી ત્યારે તેણે કહયું કે કારના રેડિએટરમાં ભરેલું પાણી પીને તેણે સાત દિવસ ગુજાર્યા હતા અને છેલ્લે તેને લાગવા લાગેલુ કે હવે તે બચી નહીં શકે.

(4:21 pm IST)