દેશ-વિદેશ
News of Thursday, 31st October 2019

જાપાનના ૬૦૦ વર્ષ જુના શુરી કાસલ (કિલ્લા)માં ભીષણ આગઃ મોટાભાગનો વિસ્તાર ભસ્મીભુત

સ્થાનિકો માટે ૧૪મી સદીમાં બનેલ ભગવાન સમાન વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સામેલ

ટોકીયોઃજાપાનમાં ૬૦૦ વર્ષ જૂની હેરિટેજ સાઇટ જેને શુરી કાસલ(કિલ્લો) કહેવાય છે તેમાં ભયંકર આગ લાગતા તેનો મોટાભાગનો વિસ્તાર બળી ગયો છે. મોડી રાત્રે ૨.૪૦નીઆસપાસ ફાયરફાઇટર્સને આગને લગતો કોલ આવ્યો હતો. આ કિલ્લો ઓકિનાવાની રાજધાની નાહામાં છે. આ સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં પણ છે અને તે ૧૪મી સદીના રૂયુકયુ સામ્રાજયનું કેન્દ્ર હતો. આગ લાગ્યા બાદ આસાપાસની લાકડાની ઇમારતોમાં તે ફેલાઇ હતી.

ત્યાંના ૮૪ વર્ષીય સ્થાનિક ટોમોકો મિયાઝાટોએ કહ્યું કે આ કિલ્લો તેમના માટે ભગવાન સ્વરૂપ છે. આગના કારણે મુખ્ય હોલના બીમ લાલચોળ થઇ ગયા હતા. એરિયલ તસવીરોમાં જોવા મળે છે કે આખો વિસ્તાર ખાક થઇ ગયો છે. એક સ્થાનિકે કહ્યું કે આ શોકીંગ છે અને હવે તે હાડપિંજર જેવું બની ગયું છે. ગુરૂવારે ફાટેલી આગને ઓલવવામાં ફાયરફાઇટર્સ જોતરાઇ ગયા છે. મોટી સંખ્યામાં ફાયરટ્રક ઘટનાસ્થળે છે. હજુ તેમાં કોઇ ઇજાગ્રસ્ત છે કે નહીં તેની માહિતી જાહેર થઇ નથી. ઓકીનાવાના પોલીસ પ્રવકતા ર્યો કોચીના કહેવા પ્રમાણે આસાપાસના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી આગનું કારણ જાણી શકાયું નથી પરંતુ સિકયોરિટી કંપનીનું અલાર્મ રાત્રે ૨.૩૦ વાગ્યે ગૂંજયું હતું.

શુરી કિલ્લો પાંચ ઈમારતોમાં વહેંચાયેલો છે. તેમાં સિડેન નામનું મેન અને સૌથી મોટો વિભાગ છે જે કેન્દ્રમાં છે. સ્થાનિક મીડિયા પ્રમાણે આ કેન્દ્રમાં આગ લાગ્યા બાદ તે આસાપાસના કોમ્પ્લેકસમાં ફેલાઇ હતી. પોલીસ પ્રમાણે આગના લીધે મુખ્ય સિડેન બિલ્ડીંગ અને નોર્થ હોલ જેને હુકુડેન કહેવાય છે તે સંપૂર્ણ રીતે તેની ચપેટમાં આવી ગયા છે. આગને સૌથી પહેલા કિલ્લાના પહેરેદારોએ જોઇ હતી.

(3:36 pm IST)