દેશ-વિદેશ
News of Thursday, 31st October 2019

કેન્સરના ઇલાજના પૈસા નહોતા, લોટરી ખરીદી તો દોઢ કરોડ લાગ્યા

ન્યુયોર્ક,તા.૩૧:અમેરિકાના નોર્થ કેરોલિનાના પિન્ક હિલ્સમાં રહેતા રોની ફોસ્ટરને થોડાક મહિનાઓ પહેલાં પેટનું કેન્સર થયું હોવાનું નિદાન થયું. રોની રિટાયર્ડ હતા અને સારવારમાં જયારે જમાપૂંજી ખર્ચાઈ જવા આવી ત્યારે તેઓ બહુ હતાશ થઈ ગયા. જાન્યુઆરી મહિનામાં જયારે કેન્સર થયું ત્યારે તેઓ બહુ મુંઝાયેલા હતા કે કીમોથેરપીની સારવાર લઈને પણ જો તે જીવી જશે તોય એ પછી તેમનું બેન્ક-બેલેન્સ સાવ ખાલી હશે. એ પછીનું જીવતર પણ બહુ દુષ્કર હશે એવી કલ્પનાએ તેઓ થથરી ઊઠતા. એક સ્ટોરમાં તેઓ ફરી રહ્યા હતા ત્યારે વિચાર આવ્યો કે લોટરી લાગે તો કેવું સારું? એ વિચાર કદાચ સાકાર થશે તો બહુ મદદ થશે એમ વિચારીને તેમણે એક સ્ક્રેચ કાર્ડ ખરીદ્યું. એક ડોલરના કાર્ડના બદલામાં તેઓ પાંચ ડોલર જીત્યા. તેણે આ પાંચ ડોલરથી મોટી લોટરીની બે ટિકિટ ખરીદી. પહેલી ટિકિટ વ્યર્થ ગઈ, પણ બીજીએ નસીબ આડેથી પાંદડું હટાવી દીધું.

આ ટિકિટે તેમને બે લાખ ડોલરની રકમ જીતાડી. ટેકસ બાદ કરતાં તેમના હાથમાં લગભગ એક કરોડ રૂપિયા આવ્યા. હવે રોનીભાઈ ખુશખુશાલ છે. તળિયાઝાટક થઈ ગયેલા બેન્ક-અકાઉન્ટમાં પૈસા આવતાં કીમોથેરપીની સારવાર પણ સરળ બની છે અને જે રકમ બચશે એમાંથી બાકીનું જીવન પણ ઠીકઠાક નીકળી જશે.

(3:12 pm IST)