દેશ-વિદેશ
News of Monday, 30th November 2020

નાઇજીરિયામાં ખેતમજૂરો પર થયેલ હુમલામાં 110 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: યુનાઇટેડ નેશન્સના અહેવાલ અનુસાર નાઇજીરિયામાં ખેતમજૂરો પર થયેલાં હુમલામાં 110 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બીજા અનેક ઘવાયા છે. આ અગાઉ નાઇજીરિયાની સરકાર દ્વારા 43 ખેડૂતોનું ગળું કાપી નાખવામાં આવ્યું હોવાની વાત કરી હતી. જ્યારે હાલમાં યુનાઇટેડ નેશનસ દ્વારા આપવામાં આવેલી તાજી વિગતો પ્રમાણે 110 લોકોની હત્યા કરી નાખવામાં આવી અને બીજા અનેક લોકો ઘવાયા છે. યુનાઇટેડ નેશન્સના નાઇજીરિયાના સ્થાનિક માનવીય કૉર્ડિનેટર એડવર્ડ કૅલ્લોન દ્વારા કહેવામાં આવ્યું કે મોટરસાયકલ પર આવેલાં હથિયારધારી લોકોએ ડાંગરના ખેતરમાં કામ કરતાં ખેડૂતો પર ઘાતકી હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર હુમલાખોરોએ બોર્નોના પાટનગર મૈદાગુરી નજીક ચોખાના ખેતરમાં કામ કરી રહેલા ખેતમજૂરોને બાંધીને તેમનાં ગળાં કાપી નાખ્યાં હતાં. પાછલા અમુક મહિનાઓનો આ ક્ષેત્રનો આ સૌથી ખરાબ હુમલો ગણાઈ રહ્યો છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં બોકો હરામ અને પશ્ચિમી આફ્રિકા ઇસ્લામિક સ્ટેટનાં ઉગ્રવાદી સંગઠનો સક્રિય હોવાનું મનાય છે.

(5:31 pm IST)