ફરી એક વાર ર૦ મિનિટમાં ૪ર માળ ચડી ગયો આ ફ્રેન્ચ સ્પાઇડરમેન
પેરિસ તા. ૩૦ : ફ્રાન્સમાં રહેતો એલેઇન રોબર્ટ એવો તરવરાટિયો કલાઇમ્બર છે કે તેને દર થોડાક મહિને કોઇક ઊંચી ઇમારત સર ન કરે તો ચેન ન પડે. આમ તો તેની વય પ૭ વર્ષની થઇ ગઇ છે, પણ જોખમ ખેડવાનું એનું સાહસ હજીયે જુવાનીયાઓને શરમાવે એવું છે. આ વખતે ભાઇસાહેબ જર્મનીની આર્થિક રાજધાની ફ્રેન્ફર્ટના એક ટાવર પર ચડી ગયા. સ્વાભાવિકપણે આવો સ્ટન્ટ કરવો હોય તો સ્થાનિક ઓથોરિટીની પરવાનગી લેવી પડે અને સુરક્ષા માટેના સાધનો વિના પરવાનગી મળે જ નહીં. એલેઇન રોબર્ટને તો સુરક્ષા વિના જ ગ્લાસની ઇમારતો પર ચડવાનો મહાવરો છે અને એમાં જ મજા પડે છે એટલે તેણે દર વખતની જેમ આ વખતે પણ કોઇ પરવાનગી લીધી નહોતી. આ વખતે તો તેણે બિલ્ડીંગની ચડાઇ કરવામાં સ્પીડનો પણ રેકોર્ડ તોડી નાખ્યો. તે જસ્ટ ર૦ જ મિનીટમાં નીચેથી છેક બેતાળીસમા માળે પહોંચી ગયો. તેને ટાવર પર ચડતો જોઇને આસપાસના રાહદારીઓએ તસવીરો અને વિડીયો લેવાનું શરૂ કરીને ચક્કાજેમ કરી દીધું અને પોલીસ સાબદી થઇ ગઇ. પોલીસ પણ ઝપાટાભેર ઘટના સ્થળે પહોંચી ગઇ. બેતાળીસમા માળે જેવો તે પહોંચ્યો કે તરત જ પોલીસે તેને પોતાનો જીવન જોખમમાં લેવાના ગુનાસર અટકમાં લઇ લીધો. એલેઇન રોબર્ટના આવા સ્પાઇડરમેન સ્ટાઇલના સાહસોની યાદી હવે લંબાતી જાય છે. ભાઇસાહેબ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલીફા પર પણ ચડી ચૂકયા છે. લંડનની લોયડસ બિલ્ડીંગ, ન્યુયોર્કનું એમ્પાયર સ્ટેટસ અને ફ્રાન્સના આઇફલ ટાવર પર પણ કોઇ જ સલામતી વિના કલાઇમ્બિંગ કરી ચૂકયો છે.