દેશ-વિદેશ
News of Thursday, 30th June 2022

બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી

૩ બાળકોની માતા લોરા યંગની આ સર્વિસ ખૂબ જ વાયરલ થઇ રહી છે

લંડન તા. ૩૦ : આજકાલ, મોંઘવારીના સમયમાં ઘરનું બજેટ મેનેજ કરવા માટે, વ્‍યક્‍તિ હંમેશા ઇચ્‍છે છે કે બે પૈસા વધારાની કમાણી કરવી જોઈએ. આ માટે, લોકો કેટલાક વિવિધ પ્રકારના વ્‍યવસાય અથવા વેન્‍ચર્સ પણ ટ્રાય કરતા હોય છે. જોકે, તમે કદાચ જ સાંભળ્‍યુ હશે કે, આના માટે કોઈ પોતાના પતિ કે પત્‍નીને ભાડા પર આપતા હશે. યૂનાઈટેડ કિંગડમની એક મહિલાએ આવું જ કંઈક કર્યુ છે.

બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી છે. મહિલાએ સોશિયલ મીડિયા પર જાહેરાત આપીને કહ્યુ કે, મારા પતિને ભાડા પર આપવા માંગુ છું. ૩ બાળકોની માતા લોરા યંગની આ સર્વિસ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં તેમણે ‘Hire my handy hubby’ના નામથી શરૂ કર્યુ છે.

લૌરા યંગ નામની મહિલાના પતિ જેમ્‍સને વસ્‍તુઓ પોતાના હાથથી જોડવા-તોડવાનો ખૂબ જ શોખ છે. આ શોખને કારણે, તે DIY વસ્‍તુઓમાં માસ્‍ટર છે. આ કૌશલ્‍યને કારણે તેણે પોતાના જૂના ઘરને પણ ખૂબ જ સુંદર અને અનોખું બનાવ્‍યું છે. પાણી-વીજળીથી માંડીને ફર્નિચર સુધીનું કામ શ્રેષ્ઠ રીતે કેવી રીતે કરવું તે તેઓ જાણે છે. લૌરા યંગ તેના પતિની આ કળાને ઘરમાં વધારાની આવકનું સાધન બનાવવા માગતી હતી અને તેણે આવા કામો માટે તેના પતિને ભાડે આપવાની સેવા ઓફર કરી.

લૌરા કહે છે કે જો તેના પતિ બગીચાથી લઈને ઘર સુધી અનોખી વસ્‍તુઓ બનાવી શકતા હોય તો લોકો તેની આ કુશળતા માટે તેને નોકરીએ રાખી શકે છે. લૌરાએ આ અનોખા વ્‍યવસાય માટે ‘રેન્‍ટ માય હેન્‍ડી હસબન્‍ડ' નામની વેબસાઇટ બનાવી અને તેને નેક્‍સ્‍ટ ડોર એપ તરીકે ફેસબુક પર પ્રમોટ કરી. જેમ્‍સ અગાઉ એક વેરહાઉસમાં કામ કરી ચૂક્‍યો છે, જે તેણે બે વર્ષ પહેલાં છોડી દીધો હતો. જો કે તેની પ્રતિભા અકબંધ રહી. કેટલાક લોકો લૌરાની આ એપના વખાણ કરે છે અને તે આસપાસના વિસ્‍તારમાં લોકપ્રિય પણ બની છે.

(10:52 am IST)