દેશ-વિદેશ
News of Thursday, 30th June 2022

ચાઇનીઝે બનાવ્‍યો પૈડાંવાળો ખાટલો

ઝુ જિયાનકિયાંગે સોશ્‍યલ મીડિયા એપ ડુયિન પર વ્‍હીલવાળા ખાટલાને એક વિડિયો પોસ્‍ટ કર્યો હતો

બીજીંગ,તા. ૩૦ : સારી ઊંઘ આવતી હોય અને પથારીમાંથી ઊઠવાનું મન જ થતું હોય તો? તો તમારા માટે સારા સમાચાર છે. ચીનના યુનાનમાં રહેતા એક યુવકે બેટરીથી ચાલતો પૈડાંવાળો એક બેડ બનાવ્‍યો છે, જેમાં તમે પથારીમાંથી બહાર આવ્‍યા વગર પણ ઘણું બધું કરી શકો છો. ઝુ જિયાનકિયાંગે સોશ્‍યલ મીડિયા એપ ડુયિન પર વ્‍હીલવાળા ખાટલાનો એક વિડિયો પોસ્‍ટ કર્યો હતો, જે હાલમાં વિવિધ સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તે પોતાના બે પેટ ડોગ સાથે પોતાના ગામની ગલીઓમાં ફરી રહ્યો છે. એટલું જ નહીં, ખાટલા પર બેઠાં-બેઠાં માછલી પકડવાનું કામ પણ કરે છે.

ઝુ જિયાનકિયાંગ જયારે નાનો હતો ત્‍યારે તેને ખાટલા પરથી ઊતરવાનો ઘણો કંટાળો આવતો હતો જેને કારણે તે ઘણી વખત સ્‍કૂલમાં મોડેથી પહોંચતો. ત્‍યારે તેને લાગતું કે જો સૂતાં-સૂતાં જ સ્‍કૂલ પહોંચાતું હોય તો કેટલુ સારું? નાનપણમાં જોયેલા સપનાને આખરે સાચું કરવાનું તેણે બીડું ઝડપ્‍યું. કેટલાક લોકોએ ઝુની શોધને બિરદાવી છે તો કેટલાકના મતે આનાથી માણસ વધુ આળસુ બની જશે. ઘણાના મતે જેઓ પથારીવશ અને વિકલાંગ છે તેમને માટે આ ખાટલો ફાયદાકારક છે. આ ખાટલામાં બ્રેક પણ છે. વળી સામાન્‍ય રીતે લોકો જે ઝડપે ચાલે છે એટલી જ ઝડપથી એ ખાટલો જાય છે. એક વખત ચાર્જ કર્યા બાદ આ ખાટલાની મદદથી ૩૦ માઇલ સુધી જઈ શકાય છે. 

(10:12 am IST)