દેશ-વિદેશ
News of Friday, 30th April 2021

દુનિયાનું એક રહસ્યમય ગામ જ્યાં માત્ર છોકરીઓનો જ થાય છે જન્મ

છેલ્લા ૧૦ વર્ષથી આ ગામમાં એક પણ છોકરાનો જન્મ થયો નથી, અહીં ફકત છોકરીઓ જ જન્મ લઇ રહી છે

લંડન,તા. ૩૦: સમગ્ર વિશ્વમાં ઘણી વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે અને તમે અને અમે આવી ઘટનાઓથી સંપૂર્ણ અજાણ હોઇએ છીએ. કેટલીક એવી બાબતો પણ છે જેને જાણીને આપણે વિશ્વાસ પણ કરી શકતા નથી. દુનિયામાં એક તરફ આપણે જોઈ રહ્યા છીએ કે સેકસ રેસીયોમાં પુરૂષોની તુલનામાં મહિલાઓની સંખ્યા ઓછી થઈ રહી છે, ત્યારે દુનિયામાં એક ગામ એવુ છે જયા છોકરાઓનો જન્મ જ થતો નથી, અહી માત્ર છોકરીઓનો જન્મ થાય છે.

સેકસ રેસીયોની વાત કરીએ તો ભારતમાં પુરુષોની તુલનામાં મહિલાઓનો આંકડો ઘણો ઓછઓ જોવા મળી રહ્યો છે. પરંતુ આજે અમે તમને એક એવી જ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જયાં ફકત છોકરીઓ જ જન્મે છે. આપને જણાવી દઈએ કે છેલ્લા ૧૦ વર્ષથી આ ગામમાં એક પણ છોકરાનો જન્મ થયો નથી, અહીં ફકત છોકરીઓ જ જન્મ લઇ રહી છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સનાં સમાચારો અનુસાર પોલેન્ડમાં એક ગામ છે જયાં છેલ્લા ૧૦ વર્ષથી ફકત છોકરીઓનો જ જન્મ થઇ રહ્યો છે. આ ગામનું નામ મિજેસ્કે ઓદ્રજેનસ્કી તરીકે જાણીતુ છે. છેલ્લા એક દાયકાથી આ ગામમાં એક પણ છોકરાનો જન્મ થયો નથી. આ ગામનાં મેયરે આ ગામમાં ઘોષણા કરી છે કે, જે ઘરમાં દિકરાનો જન્મ થશે તેને સરકાર દ્વારા ઇનામ આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ ગામ વિશે સાંભળ્યા પછી, ઘણા વૈજ્ઞાનિકો આ ગામની તપાસ કરવા માંગે છે. એટલું જ નહીં, પત્રકારો અને ટેલિવિઝનનાં લોકો પણ આ પોલિશ ગામની વિચિત્ર વસ્તી વિશે જવાબો શોધી રહ્યા છે.

મીડીયા અહેવાલો અનુસાર, આ ગામમાં આશરે ૩૦૦ લોકોની વસ્તી છે. આ ગામ વિશે પોલેન્ડની મીડિયાને ખબર પડી ત્યારે આ સમાચાર આગની જેમ દુનિયાભરમાં ફેલાવા લાગ્યા હતા. પોલેન્ડ મીડિયા પણ અચરજમાં આવી ગઇ હતી જયારે તેમને ખબર પડી કે છેલ્લા ૧૦ વર્ષથી આ ગામમાં કોઈ છોકરાનો જન્મ થયો નથી. એકવાર અહીં, ફાયર એમ્બ્યુલન્સ માટે યુવા સ્વયંસેવકોની જરૂર હતી, ત્યારબાદ અહીં એક સ્થાનિક સ્પર્ધા યોજવામાં આવી હતી અને આ સ્પર્ધામાં ફકત આ ગામની માત્ર છોકરીઓ જ સ્પર્ધા કરવા પહોંચી હતી, જયારે કોઇ છોકરો આ ગામથી ન પહોંચ્યો ત્યારે મીડિયાએ તપાસ કરવા માટે ગામની મુલાકાત લીધી અને ત્યારે આ મોટું સત્ય વિશ્વની સામે બહાર આવ્યું હતુ.

(10:27 am IST)