દેશ-વિદેશ
News of Thursday, 29th October 2020

માલિક કૂતરાને રસ્તામાં ભૂલી ગયાઃ પણ કૂતરો માલિકને ન ભૂલ્યો

હાઇવે પર રહી ગયેલો શ્વાન ૨૬ દિવસમાં ૬૦ કિલોમીટર ચાલીને માલિકના ઘરે પહોંચ્યો

બીજીંગ, તા.૨૯: ચીનના સાત વર્ષના શ્વાને એમની જાતિના વફાદારીના ગુણનો વધુ એક ઉમદા પરચો આપ્યો છે. માલિક એને ખૂબ લાંબા અંતરે ફરવા લઈ ગયા અને હાઇવે પર એને ભૂલી ગયા હતા. દોઉ દોઉ નામના એ કૂતરાને માલિક ભૂલ્યા પણ કૂતરો માલિકને ન ભૂલ્યો. એ અજાણ્યા સ્થળેથી ૨૬ દિવસ સુધી ૬૦ કિલોમીટર ચાલ્યો અને માલિકના દ્યરે પાછો પહોંચી ગયો હતો. કિવન્જયાંગ પ્રાંતનાં પ્રસાર માધ્યમોમાં મશહૂર કિસ્સામાં મિસ્ટર કી નામના ભાઈ એકાદ મહિના પહેલાં તેમના પરિવાર સાથે લાંબા પ્રવાસે નીકળ્યા હતા ત્યારે આ દ્યટના બની હતી. એ પરિવારે હાઇવે પર મોટરવે સર્વિસ સેન્ટર ખાતે થોડો સમય પસાર કર્યો હતો. એ વખતમાં દોઉ દોઉ નામનો રુવાંટીવાળો શ્વાન ત્યાં રહી ગયો હતો. તેઓ એ મોટરવે સર્વિસ સેન્ટરથી આગળ રવાના થયા અને લાંબું અંતર પાર કર્યું ત્યાર સુધી તેમને દોઉ દોઉ પાછળ છૂટી ગયો હોવાનો ખ્યાલ આવ્યો નહોતો. જોકે તેઓ દ્યરે પહોંચ્યા પછી ત્રણેક અઠવાડિયાં બાદ એક દિવસ દોઉ દોઉ સામે આવીને ઊભો રહ્યો ત્યારે આખો પરિવાર આનંદવિભોર થઈ ગયો હતો.

(12:03 pm IST)