દેશ-વિદેશ
News of Monday, 29th October 2018

વધારે ગુસ્સો આવે ત્યારે..'પાણી પી લો, એટલે ગુસ્સો શાંત થઈ જાય...'આવુ તમે સાંભળ્યુ જ હશે : જાણો શું છે હકીકત?

હકીકતમાં પાણી પીવાથી નહિં પણ ઉંડા શ્વાસ લેવાથી ગુસ્સો શાંત થાય છે

પાણીની તાસીર ઠંડી હોય છે. પરંતુ, ગુસ્સાને પાણી નહિં પરંતુ, શ્વાસ ઠંડો કરે છે. તેનું અસલી સાયન્સ એ છે કે જ્યારે આપણે પાણી પીએ છીએ ત્યારે શ્વાસ લેતા નથી. આ બંને કામ એક સાથે સંભવ નથી. આપણી શ્વાસ લેવાની ગતિ ધીમી પડવાને કારણે તમારૂ મન શાંત થઈ જાય છે. હવે કોઈ ગુસ્સાથી લાલ-પીળા થયેલ માણસને પ્રાણાયમ કરવાનું તો કહિ ન શકાય. તેથી આ રસ્તો કાઢવામાં આવ્યો છે. હઠયોગ પ્રદીપિકા અનુસાર, તેનો અર્થ એ થાય છે કે, આપણું શરીર આપણા શ્વાસથી ચાલે છે. શ્વાસમાં બેચેની વધશે તો મગજમાં બેચેની વધશે. જો શ્વાસ શાંત થશે તો મગજ પણ શાંત થઈ જશે.

મોરારજી દેસાઈ નેશનલ ઈન્સટીટ્યુટ ઓફ યોગામાં યોગ શિક્ષક વિનય કુમાર ભારતી જણાવે છે કે, જ્યારે કોઈને ગુસ્સો આવે છે, તો તેની શ્વાસ લેવાની ગતિ તેજ થઈ જાય છે. જેમ આપણા મગજમાં બેચેની વધે છે, તેમ શ્વાસ પણ બેચેન થઈ જાય છે. ત્યારે આપણે મગજ પર સરળતાથી કંટ્રોલ કરી શકતા નથી. પરંતુ, હા.. શ્વાસ પર ધ્યાન આપી ગુસ્સો અથવા ગભરામણ શાંત કરી શકો છો. જેવી રીતે એ વાત નક્કિ છે કે, મગજ બેચેન થતા શ્વાસ તેજ થઈ જાય છે, એવી જ રીતે શ્વાસ ધીમો અને ઉંડો થાય છે, ત્યારે મન પણ શાંત અને સ્થિર થઈ જાય છે. તમે પોતે આ પ્રયોગ કરીને જોઈ શકો છો. તમે તેજ શ્વાસ લેતાની સાથે હસી નહિં શકો અને હસતા હોવ ત્યારે તેજ શ્વાસ નહિં લઈ શકો.

આપણા શ્વાસનો આપણા મન સાથે સીધો અને ખૂબ જ ઉંડો સંબંધ છે. આ સંબંધને સુધારવા અને સારો બનાવવા માટેનું કામ પ્રાણાયમ દ્વારા કરવામાં આવે છે. એટલે અહિંથી જ નીકળી છે ગુસ્સો આવે ત્યારે એક ગ્લાસ પાણી પીવાની રીત...

કહેવામાં આવે છે કે, આપણા મગજ પર આપણો સીધો કંટ્રોલ હોતો નથી. પરંતુ, આપણા શ્વાસ દ્વારા તેને અમુક હદ સુધી તેને કંટ્રોલ કરી શકાય છે. આપણે આપણી ભાવનાઓ અને મનને શ્વાસની ગતિ દ્વારા કંટ્રોલ કરી શકીએ છીએ. તેથી જ યોગમાં શ્વાસની ગતિ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. કયારેક તમે પણ કોશિશ કરીને જોઈ લો. જ્યારે કોઈને ગુસ્સો આવે તો તેને ઉંડા શ્વાસ લેવા માટે કહો. અને જો તેને ઉંડા શ્વાસ લીધા તો તેનો ગુસ્સો તરત જ શાંત થઈ જશે.

 

(10:32 am IST)