દેશ-વિદેશ
News of Thursday, 29th July 2021

ચીનમાં મળી આવ્યું મોટી સંખ્યામાં પરમાણુ મિસાઈલોના સંગ્રહ માટેનું વધુ એક સ્થળ

નવી દિલ્હી: ચીન તેના પરમાણુ શસ્ત્રોગારનું નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તરણ કરી રહ્યું છે અને મોટી સંખ્યામાં પરમાણુ મિસાઈલોના સંગ્રહ માટેનું વધુ એક સ્થળ મળી આવ્યું છે. ઉત્તરીય શિનજિઆંગ પ્રાંતમાં હામી નજીક રણમાં ૩૦૦ ચો. માઈલ વિસ્તારમાં ચીન પરમાણુ મિઝાઈલ બેઝ માટે જંગી સ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે. આ વિસ્તારમાં ૧૪ સિલો બાંધકામ હેઠળ છે. સંશોધકોનું માનવું છે કે ચીન તેનો પરમાણુ શસ્ત્રાગાર વ્યાપક પ્રમાણમાં વધારી રહ્યો છે. ઉત્તરીય શિનજિઆંગ પ્રાંતમાં હામી નજીક રણમાં ૧૧૦ સિલો વિકસાવી શકે છે અને પ્રત્યેક સિલોમાં પરમાણુ શસ્ત્રો વહન કરી શકતા ત્રણ મિસાઈલ મૂકી શકાય તેવી સંભાવના છે. સંશોધકોએ ચીનના યુમેન શહેરથી ૩૦૦ માઈલ દૂર ૧૨૦ સિલો બનાવી શકાતું હોય તેવું એક સ્થળ શોધી કાઢ્યું છે. આ અગાઉ જિલાન્તાઈની પૂર્વે ૪૫૦ માઈલ દૂર એક ડઝન સિલો બનાવી શકાય તેવું એક સ્થળ પણ સંશોધકોએ શોધી કાઢ્યું હતું. પરમાણુ શસ્ત્રોના સંગ્રહ માટેના વિશિષ્ટ બાંધકામને સિલો કહેવામાં આવે છે.

ચીનના હામિ સ્થળ પર સિલો શોધી કાઢનારા ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સના સંશોધકોએ જણાવ્યું હતું કે, યુમેન અને હામીમાં સિલોનું બાંધકામ સંકેત આપે છે કે ચીન તેના પરમાણુ શસ્ત્રોમાં જંગી વધારો કરી રહ્યું છે. ગુપ્તચર સેટેલાઈટમાં વિશિષ્ટ ટેન્ટ ધરાવતા સ્થળ પર ગુપ્ત રીતે બાંધકામ ચાલી રહ્યું હોવાનું જણાય છે. બાંધકામ હેઠળના સ્થળની આજુબાજુ માર્ગો અને અન્ય સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોવા મળ્યું છે.

(5:37 pm IST)