દેશ-વિદેશ
News of Friday, 29th June 2018

ર૩૭ કિલો વજન ધરાવતા વિશ્વના સૌથી જાડિયા ટીનેજરે બે મહિનામાં ૬૪ કિલો વજન ઉતાર્યુ

આખો દિવસ ફ્રાઇડ ફુડસ, બટાટા, આઇસક્રીમ અને કાર્બોનેટેડ પીણાં પીને તેનું વજન બેહિસાબ વધી ગયુ હતુ

નવી દિલ્હી તા. ર૯ :.. દિલ્હીમાં રહેતા ૧૪ વર્ષના મિહિર જૈન નામના ટીનેજરનું વજન હજી બે મહિના પહેલાં ર૩૭ કિલો હતું. પાંચ વર્ષની વયથી જ વિડીયો-ગેમ્સ રમવાના શોખીન મિહીરનું વજન ૮૦ કિલો હતું. આખો દિવસ ફ્રાઇડ ફુડસ બટાટા, આઇસક્રીમ અને કાર્બોનેટેડ પીણાં પીને તેનું વજન બેહિસાબ વધી ગયું હતું. તેની મમ્મી પૂજાનું કહેવું છે કે મિહિર પાંચ વર્ષનો હતો ત્યારે જ લાગ્યું હતું કે તેના વજનની સમસ્યા માટે કંઇક કરવું જોઇએ. એ જ વખતે ડોકટરોએ સર્જરી કરીને વજન ઉતારવાની સલાહ આપેલી, પરંતુ તે ઘણો નાનો હોવાથી સર્જરીને બદલે દવા કરવાનું અમે પ્રિફર કર્યુ. જો કે એ દવાઓની આડઅસર થઇ અને તેના પગ નબળા પડવા લાગ્યા અને તેનું ચાલવાનું સાવ બંધ થઇ ગયું. મિહિર વેજીટેરીયન પરિવારનો હતો એટલેતેના ભોજનમાં ફ્રાઇડ પર્ટટો, રાઇસ, ફુલ-ફેટ મિલ્ક, કોફી અને ફિઝી ડ્રીન્કસનું પ્રમાણ વધુ હતું. પથારીમાંથી  ઊઠી પણ ન શકતા મિહીરની બેકાબુ ભૂખને કારણે તેની સ્થિતિ વધુ વકરતી જતી હતી.

ડાયાબીટીઝ, બ્લડ-પ્રેશર અને બ્રીધિંગની સમસ્યા વધતાં આખરે પપ્પા-મમ્મી રાજેશ અને પૂજાએ બેરિયાટ્રિક સર્જરી દ્વારા દીકરાનું વજન ઉતારવાનું નકકી કર્યુ. એપ્રિલ મહિનામાં જયારે સર્જરી થઇ ત્યારે તેનું વજન ર૩૭ કિલો હતું. જે તેને વિશ્વનો સૌથી મેદસ્વી ટીનેજર બનાવે છે. જો કે સર્જરી પછી બે જ મહિનાની અંદર મિહીરે ૬૪ કિલો વજન ઘટાડયું છે. હવે તે સૂપ, સલાડ અને સોફટ ફુડ જ લે છે અને પથારીમાંથી ઊભા થઇને ચાલવાનું પણ શરૂ કર્યુ છે.

(10:13 am IST)