દેશ-વિદેશ
News of Friday, 29th June 2018

આ ભમરડો સતત ર૭ કલાક સુધી ઘુમી શકે છે

આ ભમરડો ભમ્યા જ કરે છે, ભમ્યા જ કરે છે

નવી દિલ્હી તા. ર૯ :.. નાનપણમાં ગામમાં બાળકો લાકડાનો ભમરડો લઇને રમતાં. કોનો ભમરડો સૌથી વધુ વાર ભમતો રહે છે એની ચેલેન્જ લાગતી. ફિયરલેસ ટોયઝ નામની કંપનીએ રેકોર્ડબ્રેક ભમરડો બનાવ્યો છે. આ ભમરડો ભમ્યા જ કરે છે, ભમ્યા જ કરે છે. તમે જોતાં-જોતાં થાકી જાઓ, ઊંઘી જાઓ અને ઊંઘીને ઊઠીને જૂઓ તોય ભમ્યા કરે છે. લિમ્બો નામના આ ભમરડાએ પૂરા ર૭ કલાક ૯ મિનીટ ર૪ સેકન્ડ સુધી ઘુમતા રહીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડસમાં પોતાનું સ્થાન બનાવી દીધું છે. લિમ્બો બહારથી દેખાવમાં સામાન્ય ભમરડા જેવો જ લાગે છે, પરંતુ એની અંદર હાઇ-ટેક મેકેનિઝમ મુકવામાં આવી છે જેને કારણે એ કલાકો સુધી ભમ્યા કરે છે. આ મેટલિક ટોયની અંદર ખાસ ફલાયવ્હીલ મોટર છે જે હાઇ-એન્ડ મોશન સેન્સર ધરાવે છે. એમાં રીચાર્જેબલ બેટરી પણ છે. એ ભમરડો ગગડીને બેલેન્સ ન ગુમાવી બેસે એ માટે ખાસ સેન્સર્સ પણ લગાવવામાં આવ્યા છે. નવાઇની વાત એ છે કે એનું કદ માત્ર ત્રણ કયુબિક સેન્ટિમીટરમાં સમાઇ જાય એવું છે અને વજન જસ્ટ ૧૬ ગ્રામ છે.

(10:12 am IST)