આ દાદી સ્વર્ગ જઈને ૧૦ કલાકમાં પાછા જીવતાં થયાં
લંડન,તા.૨૯: યુક્રેનમાં ૮૩ વર્ષની એક મહિલાને ડોકટરોએ મૃત જાહેર કરી એના ૧૦ કલાક પછી અચાનક જ તે ફરી જીવતી થઈ હતી. સ્ટિરજાવકાની રહેવાસી જીનિયા દીદુખ નામની રિટાયર નર્સ સ્ટેજ-૩ કોમામાં ચાલી ગઈ હતી. ડોકટરોને બોલાવતાં તેમણે તેને ઘરમાં જ આરામ કરવા જણાવ્યું હતું. જોકે થોડા સમય પછી તેની શ્વસનક્રિયા બંધ પડી જતાં ફરી ડોકટરને બોલાવાયા, જેમણે જીનિયા મૃત્યુ પામી હોવાનું જાહેર કરીને સર્ટિફિકેટ આપ્યું હતું.
જોકે તેમને દફન કરવાની તૈયારી કરતી વખતે જીનિયાની દીકરીને તેમનું માથું ગરમ લાગ્યું એટલે તેમને તરત જ હોસ્પિટલ લઈ જવાયાં, જયાં ડોકટરોએ આશ્યર્ય સાથે તે જીવિત હોવાનું જણાવ્યું. એક અઠવાડિયા પછી તે કોમામાંથી બહાર આવી ગઈ હતી. ઠીક થયા પછી જીનિયાને પૂછતાં તેમણે કહ્યું કે મેં સ્વર્ગ જોયું. ત્યાં જઈને મેં મારા પિતાને બૂમ પાડીને બોલાવ્યા. હું તેમને પૂછવા માગતી હતી કે સ્વર્ગમાં રહેવું સહેલું છે કે નહીં. તેઓ મને મળશે એવી મને આશા હતી, પણ આંખ ખોલી તો મારી આજુબાજુમાં સફેદ કપડાં પહેરેલા લોકોને જોઈને મને લાગ્યું કે આ બધા દેવદૂત છે, પણ તેઓ ડોકટર હતા.