દેશ-વિદેશ
News of Saturday, 29th January 2022

પીટ્સબર્ગમાં અચાનક 52 વર્ષીય જૂનો પુલ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની મુલાકાતના થોડા જ કલાકો પહેલા શુક્રવારે પેન્સિલવેનિયા રાજ્યના પિટ્સબર્ગમાં એક પુલ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે અને ગેસની પાઈપલાઈન તુટી જતા તે વિસ્તારમાં ગેસ લીકેજ થયો હતો. ખાસ વાત એ છે કે બાઈડેન આ શહેરમાં બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને એક બેઠક યોજવાના હતા, પરંતુ તે પહેલા અકસ્માત સર્જાયો હતો. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની હાલત સ્થિર છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પિટ્સબર્ગ પબ્લિક સેફ્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું- પુલ તૂટી પડ્યા પછી ફોર્બ્સ અને બ્રેડોકના વિસ્તારમાં જવાનું ટાળો. આ અકસ્માતમાં કોઈ ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર નથી. ગેસ લાઇનને કાપી નાખવામાં આવી છે. ઘાયલોની મદદ માટે રેડ ક્રોસનો સંપર્ક કરવામાં આવ્યો છે. પિટ્સબર્ગ ફાયર બ્રિગેડના વડા ડેરીલ જોન્સે જણાવ્યું હતું કે અકસ્માત સવારે 6.45 કલાકે થયો હતો. આ 52 વર્ષ જૂનો પુલ શહેરના પૂર્વ વિસ્તારને મુખ્ય શહેર સાથે જોડે છે. સામાન્ય દિવસે અહીં ખૂબ ભીડ હોય છે, પરંતુ અકસ્માત સમયે બ્રિજ પર માત્ર ત્રણ-ચાર કાર અને એક બસ જ હતી.

(8:03 pm IST)