દેશ-વિદેશ
News of Tuesday, 28th June 2022

અમેરિકાના મિસૌરીમાં ભયાનક ટ્રેન અકસ્માતમાં 50 લોકો ઘાયલ થયા હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાના મિસૌરી ખાતે ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. અહેવાલ અનુસાર, અમેરિકાના મિસૌરી ખાતે સોમવારે એક ડમ્પ ટ્રક સાથે અથડાયા બાદ એમટ્રેક ટ્રેન પાટા પરથી ઉતરી જતાં અનેક લોકોના મોત થયા હતા. ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા હતા. હાલમાં રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  એમટ્રેક સેન્ટર તરફથી મળતી જાણકારી પ્રમાણે, 27 જૂનના રોજ બપોરે 12:42 વાગ્યે લોસ એન્જલસથી શિકાગો સુધીના BNSF ટ્રેક પર પૂર્વમાં મુસાફરી કરી રહેલી સાઉથવેસ્ટ ચીફ ટ્રેન એક ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે ટ્રેનના 8 બોગી અને 2 એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનમાં લગભગ 243 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. અહેવાલો પ્રમાણે, જેમાં 12 ક્રૂ સભ્યો ઘાયલ થયા છે. દુર્ઘટના બાદ કંપનીનું કહેવું છે કે, તેમના સ્થાનિક અધિકારીઓ મુસાફરોની મદદ કરી રહ્યા છે. કંપનીનું કહેવું છે કે, તે પોતાના મુસાફરો અને કર્મચારીઓની મદદ માટે ઘટનાસ્થળે ઈમરજન્સી કર્મચારીઓને તૈનાત કરી રહી છે. હાલમાં કંપનીએ જે લોકો આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તેમના પરિવાર વિશે માહિતી મેળવવા માંગતા હોય તેમના માટે હેલ્પલાઈનની વ્યવસ્થા કરી છે. તમે 800-523-9101 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.

(5:49 pm IST)