દેશ-વિદેશ
News of Monday, 28th May 2018

ભારે કરી ;બ્રિટનમાં ટ્રેન રસ્તો ભૂલી ગઈ :ખોટા વળાંકને કારણે નિર્ધારિત સ્ટેશનેથી ૧૭૦ માઇલ દૂર જતી રહી !!

ફસાયેલા 200 મુસાફરો જાતે વ્યવસ્થા કરીને નિર્ધારિત સ્થળે પહોંચ્યા

લંડન :માત્ર ભારતમાં જ ટ્રેન ખોટા ટ્રેક પર દોડી જતી હોય તેવું નથી બ્રિટનમાં એક ટ્રેન રસ્તો ભૂલી જતા મુસાફરો ફસાયા હતા આ ટ્રેન ભૂલથી એક જગ્યાએ વળાંક લઇને તેને જ્યાં જવું હતું તેને બદલે ૧૭૦ માઇલ્સ દૂર જતી રહી હતી ફસાયેલા અને રાહ જોઇને થાકેલા ૨૦૦ જેટલા મુસાફરોએ અંતે જાતે વૈકલ્પિક વ્યવસ્થા કરીને નિર્ધારિત સ્થળે પહોંચવાની ફરજ પડી હતી. 

   ન્યૂકેસલથી રીડિંગ જતી આ ટ્રેન 'ગુમ' થઈ ગઇ હતી. એ પછી તેને શેફીલ્ડમાં રદ કરવામાં આવી હતી. જોકે આ ટ્રેન પોન્ટીફ્રેક્ટમાં કેમ પહોંચી નહતી તે સ્પષ્ટ નથી. પરંતુ ક્રોસકન્ટ્રીએ જણાવ્યું હતું કે ટ્રેનને અગાઉ જ ડાયવર્ઝન આપી દેવાયાને પગલે આ ભૂલ થઇ હતી. 

    એવું મનાય છે કે સર્વિસ માટે નક્કી કરાયેલા સિગ્નલિંગ પોઇન્ટ્સ ખોટા હતા, જેના કારણે ટ્રેન ખોટો વળાંક લઇ બેઠી હતી. પોન્ટેફ્રેક્ટમાં ફસાયા બાદ ટ્રેન રદ થતાં પહેલા શેફિલ્ડમાં રદ થઇ હતી. એ પછી મુસાફરોએ રીડિંગ સુધી જવા માટે વૈકલ્પિક સેવાઓનો ઉપયોગ કર્યો હતો. શેફીલ્ડથી રીડિંગ જવા માટે આશરે ત્રણ કલાક અને ૧૫ મિનિટનો સમય લાગે છે. 

    ક્રોસકન્ટ્રીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે 'કમનસીબે, એક અગાઉની ઇવેન્ટને કારણે ડાઈવર્ટ કરવામાં આવેલી અમારી આ સર્વિસને પોન્ટીફ્રેક્ટ નજીક એક ઓપરેશનલ ખામી ઊભી હતી અને તેને કારણે તે ચાલી શકી ન હતી.'

   થોડાં વિલંબ બાદ આ ટ્રેન શેફીલ્ડ સુધી ચાલી હતી અને ત્યાં તેને રદ કરી દેવાઇ હતી. એ પછી મુસાફરોને વૈકલ્પિક સેવાઓ પર તેમની આગળની મુસાફરી કરવાની ફરજ પડી હતી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. 

(12:26 pm IST)