દેશ-વિદેશ
News of Friday, 27th November 2020

સતત માસ્ક પહેરતી નર્સનો ચહેરો એટલો બદલાયો કે સંબંધીઓ પણ ઓળખી ન શકયા

અમેરિકાના ટેનેસી રાજયની એક નર્સે આઠ મહિના સુધી કોવિડ-૧૯ માટે કામ કર્યા પછી શારીરિક અસરને બતાવવા માટે પોતાનો પહેલાનો અને પછીનો ફોટો શેર કર્યો છે

ન્યુયોર્ક,તો ૨૭: કોરાના મહામારી સામે લગભગ છેલ્લાં ૧૦ મહિનાથી દુનિયાભરના તબીબો, નર્સ,મેડિકલ સ્ટાફ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં અથાગ પ્રયાસ કરી રહ્યા છે. રાઉન્ડ ધ કલોક, ૨૪ કલાકની સેવા આપવા છતા કોરાનાની સ્થિતિ દુનિયામાં હજુ જળવાયેલી જ છે. બલ્કે કેટલાંક દેશોમા તો કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો ડોકટર્સ, નર્સ, મેડિકલ સહાયક એ યુદ્ઘ ભૂમિમાં દુશ્મનોના દાંત ખાટા કરવા માટે શસ્ત્રો સાથે ઉતરતા લડાયક યૌદ્ઘા જેવા છે.એટલે જ આવા લોકોને વોરિયર્સ તરીકે નવાજવામાં આવે છે.જે લોકો છેલ્લાં ૧૦ મહિનાથી કોરોના વાયરસથી દર્દીને બચાવવા પુરતા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ એ વાત પણ વિચારવા જેવી છે કે હોસ્પિટલમાં લાંબા સમય સુધી પીપીઇ કીટ અને માસ્ક પહેરીને કામ કરનારા આવા વોરિયર્સની હાલત કેટલી ખરાબ થઇ જતી હશે. અમેરિકાની એક નર્સે પોતાનો ગ્રેજયુએશન સમયનો ફોટો અને મહામારી માટે પીપીઇ કીટ અને માસ્ક સાથે કામ કર્યા પછીના તેના ચહેરાને સોશિયલ મીડિયા પર પોષ્ટ કર્યો છે. આ તસ્વીર પરથી ખબર પડે છે કે એક ખુબસુરત નર્સ દશ મહિનામાં જાણે ડોશી બની ગઇ છે.

કોરાનાના દર્દીઓની સારવાર કરનારા તબીબો, નર્સ, મેડીકલ સહાયકને પોતાની સુરક્ષા માટે પીપીઇ કીટ અને માસ્ક પહેરીને કામ કરવું પડે છે. અમેરિકાના ટેનેસી રાજયની એક નર્સે આઠ મહિના સુધી કોવિડ-૧૯ માટે કામ કર્યા પછી શારીરિક અસરને બતાવવા માટે પોતાનો પહેલાનો અને પછીનો ફોટો શેર કર્યો છે. બનેં ફોટા જોયા પછી સ્પષ્ટ દેખાય રહ્યું છે કે નર્સના ચહેરામાં ખાસ્સો બદલાવ આવ્યો છે. પહેલાંના ફોટામાં પ્રફુલ્લિત દેખાતી નર્સ બીજા ફોટામાં મુરઝાયેલી ભાજી જેવી લાગી રહી છે.

અમેરિકાના ટેનેસી રાજયમાં ૪ હજાર ૨૦૦ લોકોના મોત થઇ ચુકયા છે અને ૩ લાખ ૩૦ હજાર કોરાના પોઝિટિવ કેસ નોંધાઇ ચુકયા છે. મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલો લોકો માટે દર્દીઓને સંભાળવા મુશ્કેલ થઇ રહ્યા છે. ટેનેસીમાં કોરોના મહમારી સામે લડાઇ લડનારા વોરિયર્સમાંની એક નર્સ જેનું નામ કેથરીન છે, જેણે સોશિયલ મીડિયા પર વોરિયર્સના તનાવને દર્શાવવા માટે પોતાની તસ્વીર શેર કરી છે.

૨૭ વર્ષની કેથરીને પોતાના ગ્રેજયુએશનના સમયનો મુસ્કરાતો ચહેરો બતાવ્યો છે અને તે પછીનો અત્યારનો સમયનો ફોટો મુકયો છે જેમાં ચહેરા પર માસ્કના નિશાન દેખાય રહ્યા છે.

(9:45 am IST)