દેશ-વિદેશ
News of Wednesday, 27th October 2021

અમેરિકામાં આગામી 6 મહિનામાં થઇ શકે છે મોટો ત્રાસવાદી હુમલો:ગુપ્તચર એજન્સીએ ચેતવણી આપી હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનોના શાસન બાદ અને જે રીતે ત્રાસવાદને આ શાસન દ્વારા પનાહ અપાઈ રહી છે તેના પરથી અમેરિકી ગુપ્તચર એજન્સીઓેએ ચેતવણી આપી છે કે છ માસમાં ઇસ્લામીક સ્ટેટ ઓફ ખોરાસન જેને આઈએસઆઈ-કે તરીકે ઓળખવામાં આવે છે તે અમેરિકા ઉપર આગામી છ માસમાં મોટો ત્રાસવાદી હુમલો કરી શકે છે. હાલમાં જ અમેરિકાએ અફઘાન છોડતા સમયે આ સંગઠનને ખતમ કરવા અને ડ્રોન મિસાઈલ હુમલા કર્યા હતા પરંતુ અફઘાનિસ્તાનના દક્ષિણી વિસ્તારમાં આ સંગઠનની જબરી ધાક છે અને તે અમેરિકાને સૌથી મોટુ દુશ્મન માને છે. તાલિબાનના શાસનમાં પણ આ સંગઠન આગળ વધી રહ્યું છે. જો કે તેના અને તાલિબાન વચ્ચે અનેક પ્રકારના સંઘર્ષ થાય છે અને બંને એકબીજાના દુશ્મન છે પરંતુ આઈએસઆઈ-કે પાસે હજારો યુવાઓનું કેડર છે જે કોઇપણ સમયે ત્રાસવાદી હુમલા માટે તૈયાર છે. તાલિબાનોએ ખાતરી આપી છે કે અફઘાનને કોઇ અન્ય દેશ સામેના ત્રાસવાદનો અડ્ડો બનવા દેશે નહીં પરંતુ માનવામાં આવે છે કે આઈએસઆઈ-કે સંગઠન છેક પાકિસ્તાનમાં પણ પહોંચ ધરાવે છે અને તેથી તેને શસ્ત્રો અને નાણાનો પુરવઠો પણ મળતો રહે છે.

 

(6:48 pm IST)