દેશ-વિદેશ
News of Monday, 27th July 2020

વર્કઆઉટ કરતા સમયે માસ્ક પહેરવું છે અત્યંત જોખમી, તબીબોએ આપ્યું કારણ

કોરોનાના કપરા કાળમાં માસ્ક પહેરવું અનિવાર્ય થઇ ગયું છે. જે લોકો માસ્ક નથી પહેરતા તેમના માટે સરકારે કાયદો બનાવ્યો અને માસ્ક ન પહેરે તો દંડની જોગવાઇ કરી છે. જોકે આ કાયદાથી મોર્નિંગ વોકર્સ, ડાયાબિટીસ, કાર્ડિયાકના દર્દી અને એથલિસ્ટ્સ હેરાન થઈ ગયા છે. કેમકે માસ્ક સાથે તેઓ યોગ્ય વર્કઆઉટ કરી શકતા નથી. જો કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરવું પડશે, પણ તે માસ્ક પહેરીની કસરત કે વર્ક આઉટ કંઇ રીતે કરવું એ મોટો પડકાર છે.

ફેફસાંના નિષ્ણાત ડોકટરના કહેવા પ્રમાણે, માસ્ક સાથે વર્કઆઉટ ન જ કરાય. અમદાવાદના લો ગાર્ડન નજીક વર્કઆઉટ કરનારા કેટલાક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું છે ,  માસ્ક પહેરીને વર્કઆઉટ કરવું મુશ્કેલ પડે છે. સામાન્ય સંજોગોમાં જે શ્વાસ લેવાય છે, વર્કઆઉટ સમયે માસ્ક હોવાથી લઇ શકાતો નથી. વર્ક આઉટ સમયે શરીરને ઓકિસજનની જરૂરિયાત વધારે હોય છે. પણ માસ્ક હોવાથી તે લઇ શકાતો નથી. આના પરિણામે ઘણીવાર અનિચ્છાએ વર્કઆઉટ ટૂંકાવી દેવું પડે છે.

અમદાવાદના જાણીતા ફેફસાંના નિષ્ણાત વૈશલ શેઠના જણાવ્યા પ્રમાણે, કોઇ પણ પ્રકારનું વર્કઆઉટ કરતી વખતે માસ્ક પહેરી શકાય નહિ અને ખાસ કરીને N-95 માસ્કનો ઉપયોગ વર્કઆઉટ સમયે કયારેય ન કરવો. ડોકટરના કહેવા પ્રમાણે જ્યારે વર્કઆઉટ કરતા હોઇએ ત્યારે શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપી થાય છે અને આ માટે શરીરને વધારે ઓકિસજનની જરૂર પડે છે. વર્કઆઉટ દરમિયાન માસ્ક પહેર્યો હોવાથી શરીરમાંથી ઉશ્વાસ રૂપે બહાર નીકળેલો કાર્બન ડાયોકસાઇડ ફરી શરીરમાં જાય છે, જેના કારણે શરીરમાં કાર્બન ડાયોકસાઇડનુ પ્રમાણ વધવા લાગે છે અને વ્યકિતને ચક્કર આવવા તથા માથું દુખાવાની સમસ્યા સર્જાઇ શકે છે. ઘણા કિસ્સાઓમાં વ્યકિતના ફેફસા ફેલ થવાની સમસ્યા પણ સર્જાઇ શકે છે. જો કાર્ડિયક કે ડાયાબિટીસના દર્દીઓ વર્કઆઉટ કરવું ફરજીયાત હોય તો તેમણે પોતાના નિવાસ સ્થાને જ કોઇ વ્યવસ્થા કરવી જોઇંએ.

કોરોનાથી બચવા માસ્ક પહેરવું ફરજિયાત છે, તો ડાયાબિટીસ અને કાર્ડિયાકના રોગો માટે મોર્નિંગ વોક કે વર્કઆઉટ જરૂરી છે. પણ માસ્ક સાથે વર્કઆઉટ ન કરવાની ડોકટર સલાહ આપે છે. આવા સમયમાં એથલિટ તથા ડાયાબિટીસ અને કાર્ડિયાકના રોગોના દર્દીઓ માટે માસ્ક માથાનો દુખાવો બન્યા છે.

(9:30 am IST)