દેશ-વિદેશ
News of Monday, 27th June 2022

દક્ષિણ આફ્રિકી દેશ ઝીમ્બાબ્વેમાં મોંઘવારીના કારણોસર કેન્દ્રીય બેંકે વ્યાજદરમાં 190 ટકાનો વધારો કરવાની ફરજ પાડી

નવી દિલ્હી: એક રીતે મોંઘવારીએ આખી દુનિયાના નાકમાં દમ કરાવી દીધો છે પરંતુ દક્ષિણ આફ્રિકી દેશ ઝિમ્બાબ્વેની હાલત ખૂબ જ કપરી જણાઈ રહી છે. આભને આંબી રહેલી મોંઘવારીનો સામનો કરવા માટે ઝિમ્બાબ્વેની કેન્દ્રીય બેંકને પોતાના વ્યાજ દરમાં 190 ટકાનો વધારો કરવાની ફરજ પડી છે. ઝિમ્બાબ્વે સેન્ટ્રલ બેંકની એમપીસી બેઠક બાદ મોંઘવારીનો દર સંપૂર્ણપણે બેકાબૂ થયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ઝિમ્બાબ્વેમાં પહેલેથી જ વિશ્વનો સૌથી મોંઘો વ્યાજ દર છે અને હવે મોંઘવારીને કાબૂમાં લેવા માટે મુખ્ય વ્યાજ દરમાં 190 ટકાનો વધારો કરવો પડશે. અધિકારીઓએ જણાવ્યું કે, જૂન મહિનામાં વાર્ષિક મોંઘવારી દર 191.6 ટકા વધી ગયો છે. આ સંજોગોમાં લોકલ કરન્સી પરનું દબાણ વધી રહ્યું છે જેને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં અનપેક્ષિત વધારો કરવો પડશે. ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ ઈમર્સન મંગાગ્વાએ જણાવ્યું કે, તેઓ કૃષિ ક્ષેત્રની સુરક્ષા પર વધુ ભાર આપશે તથા એગ્રીકલ્ચર સેક્ટરને બચાવવા માટે ઓછા વ્યાજ દર પર લોનની સુવિધા ચાલુ રહેશે. ઉપરાંત બેંકમાં જમા રકમ પરનો વ્યાજ દર વધારવામાં આવી રહ્યો છે જેથી લોકોને પોતાની બચતો પર વધુ લાભ મળવાનું સુનિશ્ચિત થઈ શકે. 

(6:46 pm IST)