દેશ-વિદેશ
News of Saturday, 27th April 2019

કરાચીના ઉર્ષમાં લૂ લાગવાથી ૧૫ લોકોના મોત

દર વર્ષે દેશ-વિદેશથી હજારો ભાવીકો ઉર્ષમાં આવે છેઃ ભુતકાળમાં આત્મઘાતી આતંકી હુમલામાં ૯૦ મુસ્લિમ શ્રધ્ધાળુ માર્યા ગયેલ

  પાકિસ્તાનના સિંધની જાણીતી મસ્જિદમાં વાર્ષિક ધાર્મિક ઉર્ષ કાર્યક્રમમાં  ઓછામાં ઓછા ૧૫ ભાવિકોના લૂથી મોત થયા છે. શહેરના વિવિધ ભાગોમાં છેલ્લા ચાર દિવસથી ગરમીનું મોજું વ્યાપેલું છે. લાલ શાહબાઝ કવાલાંદર મસ્જિદમાં ૧૫ શ્રધ્ધાળુના મોત થયા છે.  પાકિસ્તાનભરમાંથી અને પરદેશોમાંથી પણ હજારો ભાવિકો વાર્ષિક ઉર્ષના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રતિ વર્ષ લાલ શાહબાઝ કલંદર મસ્જિદ ખાતે ઉમટે છે. ૨૦૧૭માં લોકો ધાર્મિક વિધિમાં મગ્ન હતા ત્યારે ત્યાં મસ્જિદમાં ધસી ગયેલા એક આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને ફૂંકી મારીને ત્યાં ઉપસ્થિત ૯૦ ભાવિકોનો ભોગ લીધો હતો, જયારે અન્ય ૩૦૦ જણા ઘવાયા હતા. આ હુમલા માટે ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ  જવાબદારી સ્વીકારી હતી. આવા જીવલેણ હુમલા પછી પણ ભાવિકો રોજેરોજ મસ્જિદ ખાતે ઉમટતા રહ્યા છે.

(3:41 pm IST)