દેશ-વિદેશ
News of Wednesday, 27th March 2019

લંડનથી જર્મની જનારી ફલાઇટ ભુલથી પહોંચી સ્કોટલેન્ડ

લંડન તા.૨૭: સોમવારે સવારે લંડન  સિટી એરપોર્ટ પરથી જર્મનીના ડસેલ્ડોફ જવા માટે શેડયુલ થયેલી બ્રિટિશ એરવેઝની ફલાઇટ ભૂલથી સ્કોટલેન્ડના એડિનબર્ગ પર જઇને લેન્ડ થઇ હતી. આવું થવાનું કારણ એ હતું કે પાઇલટ અને ક્રૂ-મેમ્બર્સને ફલાઇટનો પ્લાન જ ખોટો આપવામાં આવ્યો હતો. આ ફલાઇટ જર્મનીની બ્રિટિશ એરવેઝની સબ સિડિયરી કંપની ડબલ્યુ ડીએલ એવિયેશન દ્વારા ઓપરેટ થઇ રહી હતી. પાઇલટ અને ક્રૂ-મેમ્બર્સને એડિનબર્ગ પહોંચ્યા પછી આ વાતની ખબર પડી હતી અને આ ગરબડને સુધારવા માટે એ જ યાત્રીઓને લઇને ફલાઇટ ફરીથી ઊપડી હતી અને જર્મની તરફ પ્રયાણ કર્યું હતું. સોફિયા સાબો નામની એક પેસેન્જરે સોશ્યલ મીડિયા પર આ ઘટનાની વાત શેર કરી હતી. તેનું કહેવંુ હતું કે છેક જયારે પ્લેન લેન્ડ થઇ રહ્યું હતું ત્યારે આજુબાજુનો નજારો થોડોક અજાણ્યો અને જર્મની જેવો નહોતો દેખાતો. પ્લેનની બહાર આવતાં જ જયારે કન્ફયુઝન ક્રીએટ થયું ત્યારે ક્રુ-મેમ્બર્સે એર ટ્રાફિક કન્ટ્રોલ સાથે વાતચીત કરીને પેસેન્જરોની માફી માગી હતી અને પ્લેનમાં ઇંધણ ભરીને જર્મની જવા ફલાઇટ ફરી ઊપડી હતી.

(10:28 am IST)