દેશ-વિદેશ
News of Thursday, 27th January 2022

દર ૧૮ મિનિટે રેડિયો સિગ્નલ છોડતું ઓબ્જેક્ટ જોવા મળ્યું

આકાશગંગામાં એક વિચિત્ર ડરામણી વસ્તુની શોધ : ઓબ્જેક્ટ પૃથ્વીથી આશરે ૪,૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે, ખૂબ જ તેજસ્વી છે અને મજબૂત ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે

નવી દિલ્હી, તા.૨૭ : ઓસ્ટ્રેલિયન સંશોધકોએ આકાશગંગામાં એક વિચિત્ર ડરામણી વસ્તુની શોધ કરી છે. ખગોળવિદોને આ પહેલા આ પ્રકારની કોઈ વસ્તુ જોવા નથી મળેલી. પોતાના સ્નાતકના થીસિસ પર કામ કરી રહેલા વિશ્વવિદ્યાલયના એક વિદ્યાર્થીએ સૌથી પહેલી વખત આ વસ્તુ જોઈ હતી અને તેમાંથી દર કલાકે ૩ વખત રેડિયો ઉર્જાનો એક મોટો વિસ્ફોટ થાય છે. એસ્ટ્રો ફિઝિસિસ્ટ નતાશા હર્લે-વાકરના કહેવા પ્રમાણે દર ૧૮.૧૮ મિનિટે પલ્સ આવે છે. નતાશાએ વિદ્યાર્થીની શોધ બાદ પશ્ચિમી ઓસ્ટ્રેલિયાઈ આઉટબેક ખાતે ટેલિસ્કોપની મદદથી મર્ચિસન વાઈડફીલ્ડ એરે તરીકે ઓળખાતા સંશોધનનું નેતૃત્વ કર્યું હતું.

નતાશાએ જણાવ્યું કે, બ્રહ્માંડમાં એવા અનેક ઓબ્જેક્ટ્સ છે જે ચાલુ અને બંધ થાય છે પરંતુ ૧૮.૧૮ મિનિટ એ એવી ફ્રિક્વન્સી છે જે અગાઉ કદી નથી જોવા મળી. આ પ્રકારના ઓબ્જેક્ટની શોધ એ ખગોળશાસ્ત્રી માટે ખૂબ જ ડરામણી છે કારણ કે, અત્યાર સુધી આકાશમાં એવું કશું નથી મળેલું જે આ રીતે કામ કરતું હોય. સંશોધકો હવે તેમણે શું શોધ્યું છે તે સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આટલા વર્ષોના ડેટાની મદદથી તેઓ એટલું જાણી શક્યા છે કે, તે ઓબ્જેક્ટ પૃથ્વીથી આશરે ૪,૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે, ખૂબ જ તેજસ્વી છે અને મજબૂત ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. જોકે હજુ પણ અનેક રહસ્યો વણઉકલ્યા જ છે. નતાશાના કહેવા પ્રમાણે તમામ ગણતરીઓથી કહી શકાય કે, દર ૨૦ મિનિટે આ પ્રકારના રેડિયો તરંગો માટે તેમના પાસે પૂરતી શક્તિ ન હોઈ શકે. એ શક્ય જ નથી. સંશોધકોએ ઓબ્જેક્ટને સિદ્ધાંતિત કર્યો હોય તેમ બની શકે પરંતુ 'અલ્ટ્રા લોન્ગ પીરિયડ મેગ્નેટર' કદી જોવામાં નથી આવ્યું. તે ખરી ગયેલા તારાના અવશેષ સમાન સફેદ વામન પણ હોઈ શકે.

(7:35 pm IST)