દેશ-વિદેશ
News of Friday, 26th November 2021

વર્ચ્યુઅલ રિયલ એસ્ટેટનો એક હિસ્સો વહેંચાયો આટલી કિંમતે:જાણીને ઉડી જશે હોશ

નવી દિલ્હી: રિયલ એસ્ટેટમાં સફળતાનો મૂળ મંત્ર છે, લોકેશન. જોકે, હવે વર્ચ્યુઅલ દુનિયામાં પણ આ ફોર્મ્યુલા કામ કરી રહી છે. આ વાતનો તાજો પુરાવો છે ઓનલાઈન એન્વાયર્મેન્ટ ડિસેન્ટ્રાલેન્ડ પર થયેલી સૌથી મોંઘી ડીલ. ક્રિપ્ટોકરન્સી રોકાણકાર ડિસેન્ટ્રાલેન્ડ અને ટોકન્સ.કોમ પ્રમાણે, ઓનલાઈન દુનિયામાં વર્ચ્યુઅલ રિયલ એસ્ટેટનો એક હિસ્સો રેકોર્ડબ્રેક રૂ. 18 કરોડમાં વેચાયો છે. આ ડીલ ક્રિપ્ટોકરન્સી ‘માના’ થકી થયો છે. આ જમીન ડિસેન્ટ્રાલેન્ડના નકશા પ્રમાણે, ફેશન સ્ટ્રીટ વિસ્તારમાં છે અને તેનો ઉપયોગ ડિજિટલ ફેશન કાર્યક્રમોની યજમાની માટે કરાશે. એટલું જ નહીં, તેમાં વર્ચ્યુઅલ કપડાં પણ વેચાશે. ડિસેન્ટ્રાલેન્ડ એક ઓનલાઈન એન્વાયર્મેન્ટ છે, જેને મેટાવર્સ પણ કહે છે. યુઝર અહીં જમીન ખરીદી શકે છે, ઈમારતોમાં જઈ શકે છે, હરી-ફરી શકે છે તેમજ કોઈ અવતાર બનીને લોકોને મળી પણ શકે છે. કોરોના મહામારી પછી આ પ્રકારના ઓનલાઈન એન્વાયર્મેન્ટની લોકપ્રિયતા વધી છે. ડિસેન્ટ્રાલેન્ડ બ્લોકચેનનો ઉપયોગ કરે છે. તેની જમીન પર તમામ ચીજવસ્તુ ટોકન (એનએફટી) તરીકે વેચાય છે. આ એક પ્રકારની ક્રિપ્ટો સંપત્તિ છે. ટોકન્સ.કોમના સીઈઓ એન્ડ્રુ કિગુએલ કહે છે કે આ સંપત્તિ મેટાવર્સ ગ્રૂપ પાસે પહેલેથી મોજુદ રિયલ એસ્ટેટ સંપત્તિ જેવી જ છે. જૂનમાં ડિસેન્ટ્રાલેન્ડની જમીનનો એક હિસ્સો અમે ‘માના’ને વેચ્યો હતો, જેની કિંમત રૂ. 6.79 કરોડ હતી.

(6:13 pm IST)