દેશ-વિદેશ
News of Friday, 26th November 2021

સોનેરી ભવિષ્યની આશામાં બ્રિટન જવા માટે પ્રવાસીઓ કરે છે 32 કી.મી નો જોખમી પ્રવાસ

નવી દિલ્હી: ફ્રાન્સથી બ્રિટન જઈને વસવાની આશામાં જઈ રહેલા પ્રવાસીઓની એક હોડી ડૂબતાં 27નાં મોત થયાં. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બ્રિટનમાં પ્રવાસી કે શરણાર્થીનો દરજ્જો મેળવનારાની સંખ્યા ખૂબ વધી છે. તેઓ બ્રિટનમાં સોનેરી ભવિષ્યની આશામાં જાન જોખમમાં મૂકીને અહીં સુધી આવે છે. હકીકતમાં ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે માંડ 32 કિલોમીટરનું અંતર છે. આવો જાણીએ, આખરે પ્રવાસીઓ પોતાનો જીવ જોખમમાં કેમ મૂકે છે... આ વર્ષે ફ્રાન્સ અને બ્રિટન વચ્ચેની ઈંગ્લિશ ચેનલ અત્યાર સુધી 25 હજાર પ્રવાસી પાર કરી ચૂક્યા છે. 12 નવેમ્બર, 2021ના રોજ 11,185 લોકોએ ઈંગ્લિશ ચેનલ પાર કરવાનો રેકોર્ડ કર્યો છે. યુરોપમાં આવનારામાંથી 75 ટકા બ્રિટનમાં આશરો લેવા અરજી કરે છે. પ્રવાસીઓ 32 કિ.મી.ના ડોવર અને કેલાસિસ કિનારાના જોખમી સમુદ્રી માર્ગ પસંદ કરે છે. આ માર્ગ પર આંતરરાષ્ટ્રીય કાયદો લાગુ નથી પડતો. તેઓ પકડાઈ જાય તોપણ તેમને બ્રિટિશ કેમ્પોમાં લઈ જવાય છે. અંગ્રેજી ભાષા, કામ મળવામાં સરળતા અને દર સપ્તાહે રૂ. ચાર હજારનું ભથ્થું તેમને આકર્ષે છે.

(6:12 pm IST)