દેશ-વિદેશ
News of Friday, 26th May 2023

ઈરાને કર્યું ખતરનાક મિસાઈલનું પરીક્ષણ:7 દેશો ટેંશનમાં

નવી દિલ્હી: ઈરાને તેના પરમાણુ કાર્યક્રમને લઈને પશ્ચિમ સાથેના વ્યાપક તણાવ વચ્ચે ખતરનાક ખોર્રામશાહર-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઈરાને 2000 કિલોમીટર દૂર ઉભેલા દુશ્મનને તાંકતી બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યું છે. આ પરીક્ષણ દરમિયાન ઈરાને જણાવ્યું કે, તે તેના દુશ્મનની કોઈપણ ગતિવિધને સહન નહીં કરે. ઈરાનની આ મિસાઈલ ઈઝરાયેલ, ઈજિપ્ત, સાઉદી અરેબિયા, રોમાનિયા, બલ્ગેરિયા, ગ્રીસ, અમેરિકાના ઠેકાણાઓનો નાશ કરી શકે છે. અધિકારીઓએ તેહરાનમાં એક કાર્યક્રમ દરમિયાન ખોર્રામશાહર-4 બેલેસ્ટિક મિસાઈલ દેખાતી હતી, જેમાં ટ્રક પર લાગેલા લોન્ચર પર મિસાઈલ હતી. સંરક્ષણ મંત્રી જનરલ મોહમ્મદ રજા અશ્તિયાનીએ કહ્યું કે, ખુબ જ ઓછા સમયમાં આ મિસાઈલ લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલનું વજન 1500 કિલોગ્રામ વોરહેડ છે. આ મિસાઈલ 2000 કિલોમીટરની રેન્જ સુધી પહોંચી શકવાની ક્ષમતા ધરાવે છે. અધિકારીઓએ મિસાઈલ પરીક્ષણનું ફુટેજ પણ જારી કર્યું છે, જેમાં મિસાઈલનું સફળ પરીક્ષણ દેખાડવામાં આવ્યું છે. ખોરમશહર-4 નું નામ ઈરાની શહેર પરથી રખાયું છે, જે 1980ના દાયકામાં ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન ખતરનાક લડાઈનું કેન્દ્ર હતું. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ ઈઝરાયેલના સશસ્ત્ર દળોના વડા દ્વારા પરમાણુ કાર્યક્રમ પર તહેરાન વિરુદ્ધ કાર્યવાહીની શક્યતા વ્યક્ત કરાઈ હતી, તેના બે દિવસ બાદ ઈરાને મિસાઈલ પરીક્ષણ કર્યું છે. ઈરાન ઈઝરાયેલને તેના કટ્ટર દુશ્મન માને છે. ઈરાને એવો પણ દાવો કર્યો છે કે, તેના હથિયારો ઈઝરાયલ અને અમેરિકાના ઠેકાણાઓનો પણ નાશ કરી શકે છે. ઈરાન ઈઝરાયને તેનો કટ્ટર દુશ્મન માને છે. એવું પણ મનાય છે કે આ મિસાઈલ દ્વારા પરમાણુ હથિયાર પણ લઈ જઈ શકાય છે. જો કે, તેમાં ઘણા પરમાણુ હથિયારો સ્થાપિત કરી શકાય છે, તે અંગે કોઈ નક્કર માહિતી નથી.

 

(6:57 pm IST)