દેશ-વિદેશ
News of Thursday, 26th May 2022

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલ ચાર વિસ્ફોટમાં પાંચ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે મોડી સાંજે એક પછી એક ચાર વિસ્ફોટ થયા હતા. એક મસ્જિદ અને ઉત્તરીય શહેર મઝાર-એ-શરીફમાં પેસેન્જર વાનમાં ત્રણ વિસ્ફોટ થયા હતા. મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. કાબુલના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાબુલમાં એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં બે લોકો ઘાયલ થયા છે. પરંતુ કાબુલની ઇમર્જન્સી હોસ્પિટલે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તેને બ્લાસ્ટથી પાંચ મૃતદેહ અને એક ડઝનથી વધુ ઘાયલ દર્દીઓ મળ્યા છે. જ્યારે તાલિબાનના એક અધિકારીએ નામ ન આપવાની શરતે માહિતી આપી હતી કે વિસ્ફોટો મસ્જિદમાં રાખવામાં આવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયાં છે. ઉત્તરી બલ્ખ પ્રાંતમાં પેસેન્જર વાનમાં થયેલા ત્રણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે અને 15 ઘાયલ થયા છે. બલ્ખ પ્રાંતના પોલીસ-પ્રવક્તા મોહમ્મદ આસિફ વજેરીએ રોઇટર્સને જણાવ્યું કે આ હુમલો અફઘાનિસ્તાનમાં રહેતા શિયા સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં તેઓ લઘુમતીમાં છે. અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ આતંકવાદી ઘટનાઓમાં સતત વધારો થયો છે. સતત થઈ રહેલા વિસ્ફોટોથી તાલિબાનની સુરક્ષા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે, જેના નિશાના પર અફઘાનિસ્તાનમાં રહેતા શિયા સમુદાય છે.

 

(6:22 pm IST)