દેશ-વિદેશ
News of Friday, 26th April 2019

માનો કે ન માનો પણ છે હકીકત

૩૯ વર્ષની મહિલાને છે ૩૮ બાળકો

૧૨ વર્ષે લગ્ન : ૧૩ વર્ષે પ્રથમ બાળક : ૬ વખત આપ્‍યો છે જોડીયા બાળકોને જન્‍મ

યુગાંડા તા. ૨૬ : એક ૩૯ વર્ષની મહિલાના ૩૮ બાળકો છે તો માનશો? પરંતુ આ હકીકત છે. યુગાંડાની મરિયમ નાબાતંજી નામની મહિલાની કહાણી કંઈક આવી જ છે. મરિયમના લગ્ન નાની ઉંમરે થયા હતા. લગ્ન વખતે મરિયમ માત્ર ૧૨ વર્ષની હતી. ૧૩ વર્ષની ઉંમરે મરિયમે પહેલીવાર બાળકોને જન્‍મ આપ્‍યો. મરિયમના મોટાભાગના બાળકો ટ્‍વિન્‍સ છે. મરિયમે ૬ વખત જોડકાં બાળકોને, ૪ વાર ત્રણ બાળકોને અને ૩ વખત ૪-૪ બાળકોને જન્‍મ આપ્‍યો છે. આ પ્રકારે મરિયમના કુલ ૩૮ બાળકો છે.

પહેલીવાર મરિયમ જયારે માતા બની ત્‍યારે ડોક્‍ટરે તેણે બર્થ કંટ્રોલ અંગે ડોક્‍ટરની સલાહ માગી હતી. પરંતુ ડોક્‍ટરે તેને કહ્યું હતું કે, બર્થ કંટ્રોલ માટે દવાઓનો ઉપયોગ ઘાતક સાબિત થઈ શકે છે. ડોક્‍ટરે મરિયમને જણાવ્‍યું કે, તેનું ગર્ભાશય અન્‍ય મહિલાઓની સરખામણીમાં ખૂબ મોટું છે એટલે જોડકાં બાળકો જ જન્‍મશે. ડોક્‍ટર સાથે વાતચીત કર્યા બાદ મરિયમે ક્‍યારેય બર્થ કંટ્રોલ પિલ્‍સનો ઉપયોગ ન કર્યો અને બાળકોનો જન્‍મ થતો રહ્યો. ખાસ બાબત એ છે કે ૩૮ બાળકોની માતા મરિયમ બાળકોને એકલા હાથે ઉછેરી રહી છે.

છેલ્લી પ્રેગ્નેન્‍સી વખતે મરિયમને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્‍યો. છઠ્ઠી વખત મરિયમે જોડકાં બાળકોને જન્‍મ આપ્‍યો પરંતુ તેમાંથી એક બાળક બચી ન શક્‍યું. આ જ સમયે મરિયમનો પતિ તેને છોડીને જતો રહ્યો. આ ઘટનાને આજે ત્રણ વર્ષ થઈ ગયા છે. એક ઈન્‍ટરવ્‍યૂમાં મરિયમે જણાવ્‍યું, ‘હવે મારો સંપૂર્ણ સમય બાળકોની સાર-સંભાળ રાખવામાં અને રૂપિયા કમાવવામાં નીકળી જાય છે. ૩૮ બાળકોની જરૂરિયાતને પહોંચી વળવું મુશ્‍કેલ છે. મારા બાળકો ખૂબ સમજદાર છે. મોટા બાળકો નાના ભાઈ-બહેનોની સંભાળ રાખે છે એટલે મને કમાણી કરવાનો સમય મળી જાય છે.'

મરિયમનું બાળપણ ખૂબ દુઃખમાં વીત્‍યું. મરિયમના જન્‍મના ત્રણ જ દિવસમાં તેની માતાનું નિધન થયું. ત્‍યારબાદ મરિયમના પિતાએ બીજા લગ્ન કર્યા પરંતુ સાવકી માતાનો વ્‍યવહાર જરા પણ સારો નહોતો. સાવકી માતાએ મરિયમના ૫ ભાઈ-બહેનોને ઝેર આપીને મારી નાખ્‍યા હતા. મરિયમે જણાવ્‍યું કે, તેના પિતાના અલગ-અલગ મહિલાઓ સાથે સંબંધ હોવાથી કુલ ૪૫ બાળકો છે.

(4:27 pm IST)