દેશ-વિદેશ
News of Friday, 26th April 2019

૨૭ વર્ષ બાદ એક મહિલા કોમામાંથી બહાર આવી

અકસ્માત થયો ત્યારે મુનિરા ૩૨ વર્ષની હતી અને તેમનો દીકરો પાંચ વર્ષનો હતો, આજે ૨૦૧૯માં ૨૭ વર્ષ બાદ મુનિરા ૬૦ વર્ષની થઈ ચૂકી છે તેમજ જે દીકરાને તે ૧૯૯૧માં શાળાએ લેવા ગઈ હતી તે આજે ૩૨ વર્ષનો થઈ ચૂકયો છે

સાઉદી અરેબિયા તા. ૨૬ : માતા અને પુત્ર વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. બાળકોને કોઈ તકલીફ કે બીમારી હોય ત્યારે માતા પોતાનું સર્વસ્વ ભૂલીને પોતાનું સમગ્ર ધ્યાન અને શકિત તેમને સાજા કરવામાં લગાવી દેતી હોય છે. જે ખૂબ સામાન્ય વાત છે પરંતુ જયારે કોઈ બાળક પોતાની માતાને બિમારીમાંથી બહાર લાવવા અને ફરીથી અગાઉની માફક તંદુરસ્ત કરવા માટે શકય તેવા તમામ પ્રયત્નો કરે ત્યારે નવાઈ લાગશે. આવી જ એક ઘટના સાઉદી અરેબિયામાં બની છે.

૧૯૯૧માં મુનિરા ઓમાર નામની મહિલા પોતાના દીકરાને શાળાએ લેવા ગઈ હતી. તેમનો દીકરો શાળામાંથી બહાર નીકળ્યો અને મુનિરાએ જેવો તેને તેડ્યો કે અચાનકથી એક કાર પૂર ઝડપે આવી અને તેમને ટક્કર મારીને ચાલી ગઈ. કારે ટક્કર મારી તેમાં મુનિરાના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તે સમયથી જ તે કોમામાં સરી પડી હતી.

આ અકસ્માત થયો ત્યારે મુનિરા ૩૨ વર્ષની હતી અને તેમનો દીકરો પાંચ વર્ષનો હતો. આજે ૨૦૧૯માં ૨૭ વર્ષ બાદ મુનિરા ૬૦ વર્ષની થઈ ચૂકી છે. તેમજ જે દીકરાને તે ૧૯૯૧માં શાળાએ લેવા ગઈ હતી તે આજે ૩૨ વર્ષનો થઈ ચૂકયો છે. મુનિરાની સારવાર જર્મનીની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ દરમિયાન તેમનો દીકરો તેમને મળવા માટે અવારનવાર સાઉદીથી જર્મની આવતો રહેતો હતો.

 મુનિરા ઓમારના પુત્રનું કહેવું છે કે, 'મને વિશ્વાસ હતો કે મારી માતા એક દિવસ સાજી તઈ જશે અને ભાનમાં આવી જશે. મોટા ભાગના ડોકટર્સે મારી માતાની સાજા થવાની આશા છોડી દીધી હતી, પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ હતો. મારી માતા હવે એકદમ તંદુરસ્ત છે અને તેઓ અમારી સાથે UAEમાં અમારી સાથે અમારા ઘરમાં જ રહે છે.'

(10:00 am IST)