દેશ-વિદેશ
News of Friday, 26th February 2021

ફેસબુકે ઑસ્ટ્રેલિયામાં ન્યુઝ કન્ટેન્ટ બંધ કર્યું હોવાની માહિતી

નવી દિલ્હી; ઓસ્ટ્રેલિયાની સરકારે ગુરુવારે ગૂગલ અને ફેસબુક જેવી વૈશ્વિક ડિજિટલ મીડિયા કંપનીઓને સ્થાનિક સમાચાર કન્ટેન્ટ બદલ ચુકવણી કરવી પડે તે મુજબની જોગવાઇ ધરાવતો કાયદો સંસદમાં પસાર કરી દીધો છે. સમગ્ર વિશ્વ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની સરકારે પસાર કરેલા નવા મીડિયા કાયદાની જોગવાઇ મુજબ સ્થાનિક સમાચાર કન્ટેન્ટ માટે મીડિયા કંપનીઓ માટે ફરજિયાતપણે નાણાકીય ચુકવણી કરવાની રહેશે. કન્ટેન્ટ પર નાણાકીય ચુકવણીને મુદ્દે સરકાર સાથે વિવાદ સર્જાતાં ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝ કન્ટેન્ટ બ્લોક કરી દીધું હતું. જોકે અઠવાડિયા પછી ફેસબુકે પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને ન્યૂઝ કન્ટેન્ટ બ્લોક કરવાના પગલાંને નિરાશાજનક અને અહંકારી પગલું ગણાવ્યું હતું. મળતા અહેવાલ મુજબ નવા કાયદાને ન્યૂઝ મીડિયા એન્ડ ડિજિટલ પરફોર્મન્સ મેન્ડેટરી બાર્ગેનિંગ કોડ નામ આપવામાં આવ્યું છે. કાયદા હેઠળ ફેસબુક અને ગૂગલ હવે ન્યૂઝ પબ્લિકેશનને નાણાની ચુકવણી કરશે. કાયદો અમલી બન્યાના એક વર્ષની અંદર સરકાર તેની સમીક્ષા કરશે. નવા કાયદા સાથે ઓસ્ટ્રેલિયા પહેલો દેશ બની રહ્યો છે કે જ્યાં ફેસબુક અને ગૂગલને સ્થાનિક મીડિયા કંપનીઓ સાથેની વાતચીત નિષ્ફળ રહેતાં સરકારે નક્કી કરેલા દરે નાણાની ચુકવણી કરવી પડશે.

(5:12 pm IST)