દેશ-વિદેશ
News of Wednesday, 26th February 2020

બેટરીમાંથી ધાતુ કાઢવાનું હવે સરળ બનશે

પર્યાવરણને સ્વચ્છ રાખવાની સાથે લોકોનું આરોગ્ય પણ જળવાશે

નવી દિલ્હી, તા.૨૬: મોબાઇલ ફોન જેવા ઘણા ઇલેકટ્રોનિક ડિવાઇસની બજારમાં વધતી માગની સાથે તેમાંથી ઉત્પન્ન થતા ઇ-કચરાની માત્રા પણ વધી રહી છે. આ સમસ્યા સામે લડવા હવે ભારતીય સંશોધકોએ એક નવી ટેકનિક વિકસાવી છે, જે ખરાબ બેટરીમાંથી કોબાલ્ટ અને લિથિયમ જેવી મૂલ્યવાન ધાતુઓને અલગ કરે છે.

જમશેદપુરની એનએમએલના વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવાયેલી આ ટેકનિક હાલમાં એક ખાનગી કંપનીએ હસ્તાંતરિત કરી છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ ટેકનિકથી લિથિયમ આયર્ન બેટરીઓના ઘટકો અને તેમાં ઉપયોગમાં લેવાતા બ્લેક પાઉડરથી કોબાલ્ટ અને અન્ય મૂલ્યવાન ધાતુને સરળતાથી અલગ કરી શકાય છે. ભારતમાં વધતા ઇલેકટ્રોનિક ડિવાઇસના પ્રમાણમાં તેમાંથી નીકળતા ઇ-કચરાના ઠેકાણે લગાવવાની ગતિ ધીમી છે. યોગ્ય વહીવટ ન થવાના કારણે બેટરીના કચરાના સંગ્રહની ખોટી રીત અને સસ્તી ટેકનોલોજીા અભાવે મોબાઇલ ફોનની બેટરીના કચરામાં મળી આવતી મૂલ્યવાન ધાતુને પણ નુકસાન ઉઠાવવું પડે છે. બીજી તરફ આ ધાતુ પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે.

ઇ-કચરામાંથી કોબાલ્ટને અલગ કરવાની આ પ્રક્રિયાની ખાસિયત એ છે કે તેમાં પ્લાસ્ટિક અને કોબાલ્ટ, લિથિયમ, મેગેઝિન, નિકલ અને કોપર જેવી ધાતુઓને કાઢવાની પદ્વતિ સામેલ છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે નવી વિકસાવાયેલી પદ્વતિ પર્યાવરણને પણ અનુ કૂળ છે.

ઉલ્લેખનીય છે કે ઇલેકટ્રોનિક ડીવાઇસમાં કોપર, નિકલ, સોનું, ચાંદી, લીડ અને ટિન જેવી ધાતુઓ મળી આવે છે. આ ધાતુઓ પર્યાવરણ અને આરોગ્ય માટે ખતરો ઉભો કરે છે. બેટરીમાંથી ધાતુ અલગ કરી દેવાય તો તે સ્વાસ્થ્ય, કૃષિ અને ઉદ્યોગો માટે પણ ઉપયોગી બની શકે છે.

(3:56 pm IST)