દેશ-વિદેશ
News of Wednesday, 25th January 2023

અફઘાનિસ્તાનમાં ઠંડીનો પારો માઇનસ 28 ડિગ્રીએ પહોંચતા લોકોને તાત્કાલિક મદદની જરૂર પડી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં 15 દિવસમાં તીવ્ર ઠંડીના કારણે 157 લોકોએ જીવ ગુમાવ્યા છે. 77 હજાર પશુઓનાં પણ મોત થયાં હતાં. અહીં તાપમાન માઈનસ 28 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર (UNOCHA) અનુસાર, દેશના 2 કરોડ 83 લાખ લોકોને એટલે કે લગભગ બે તૃતીયાંશ વસ્તીને જીવિત રહેવા માટે તાત્કાલિક મદદની જરૂર છે. ઠંડીના કારણે 10 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધીમાં 78 લોકોનાં મોત થયાં છે. છેલ્લા એક સપ્તાહમાં આ આંકડો બમણો થયો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનમાં છેલ્લાં 15 વર્ષમાં આટલી તીવ્ર ઠંડી પડી નથી. બરફના તોફાનના કારણે અહીં સ્થિતિ ગંભીર બની ગઈ છે. દેશના 34માંથી 8 પ્રાંતોમાં સ્થિતિ ગંભીર છે. આ 8 પ્રાંતોમાં ઠંડીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે. તાલિબાન સત્તામાં આવતાંની સાથે જ અફઘાનિસ્તાનમાં આર્થિક અને માનવ અધિકારોનું સંકટ વધી રહ્યું છે. હાલમાં જ મહિલાઓને એનજીઓમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે હવામાનના પ્રકોપનો સામનો કરી રહેલા લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. તાલિબાને ડિસેમ્બર 2022માં NGOમાં કામ કરનારી મહિલાઓ પર બેન લગાવી દેવામાં આવ્યો હતો. એ પછી ત્યાં મદદ પહોંચાડી રહેલા વિદેશી હેલ્પિંગ ગ્રુપે ઓપરેશન બંધ કરી દીધું હતું. આ ગ્રુપમાં વધારે મહિલાઓ જ કામ કરતી હતી. આ સંબંધમાં યુએનના ડેપ્યુટી સેક્રેટરી જનરલ અમીના મોહમ્મદે પણ કાબુલની મુલાકાત લીધી હતી. તેમણે મહિલાઓ પરના પ્રતિબંધને હટાવવાના મુદ્દા પર ચર્ચા કરી હતી. તેણે તેને મહિલા અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

(5:36 pm IST)