દેશ-વિદેશ
News of Saturday, 25th September 2021

પ્લાસ્ટિકમાં પાણી પીવાની વાતને લઈને થયો આ ખુલાસો

નવી દિલ્હી: ખાવાપીવાના સામાનના પૅકિંગમાં વપરાતા પ્લાસ્ટિકથી સ્વાસ્થ્યને થતા નુકસાન મામલે હંમેશાં દાવા કરવામાં આવે છે. હવે એક નવો ઈમેલ વાઇરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તડકામાં પ્લાસ્ટિકની બૉટલ રાખવાથી તેમાંથી રસાયણ નીકળે છે, જે પાણીમાં ભળીને શરીરમાં પહોંચે છે. તેનાથી કૅન્સર થઈ શકે છે. પ્લાસ્ટિકમાં બીપીએ નામનું એક રસાયણ હોય છે, તે સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. આ ઈમેલમાં ઘણી વાર એક યુનિવર્સિટીના રિસર્ચ પેપરનો આધાર આપવામાં આવે છે, પરંતુ આ એક ખોટો ઈમેલ છે. જોકે બિસ્ફેનૉલ એ (બીપીએ) નામના એક રસાયણે ખરેખર વૈજ્ઞાનિકોમાં ચિંતા જન્માવી છે. પૉલી કાર્બોનેટ કન્ટૅનરો, ખાવાના ડબ્બાના અસ્તરો સિવાય રસીદ અને ટિકિટોમાં ઉપયોગમાં લેવાતા કાગળ પર પણ બીપીએ રસાયણ જોવા મળે છે. દાવો કરવામાં આવે છે બીપીએ એક મહિલાના હૉર્મોનની જેમ પોતાની અસર પહોંચાડીને નુકસાન કરી શકે છે. જોકે હજુ સુધી એ પુરવાર નથી થયું કે આનાથી સ્વાસ્થ્ય મામલે શું સમસ્યાઓ થઈ શકે છે. અભ્યાસમાં માલૂમ પડે છે કે વધુ માત્રામાં શરીરમાં જો બીપીએ પ્રવેશ કરે તો, ઉંદર અથવા ગર્ભ ધારણ કરેલા કે પછી અત્યંત નાનાં ઉંદરને નુકસાન પહોંચે છે. પરંતુ મનુષ્યનું શરીર બીપીએ જેવા રસાયણને અલગ રીતે પચાવે છે. હાલ એ વાતના કોઈ પુરાવા નથી મળ્યા કે આપણા શરીરમાં દરરોજ બીપીએનું જેટલું પ્રમાણ જઈ શકે છે, તેનાથી આપણને નુકસાન થઈ શકે કે નહીં. પૅકેજિંગના કામમાં બીપીએનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. એક અનુમાન છે કે વિકસિત દેશોના મોટા ભાગના વયસ્કોના મૂત્રમાં બીપીએ જોવા મળે છે.

(5:50 pm IST)